<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ભાવનગરના વરતેજ જી.આઇ.ડી.સી.માં વિદેશી દારૂની ૧૭૬૭ બોટલ સાથે બે ઝડપાયા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૪: એલસીબી પોલીસ સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, નરેશ સનાભાઇ બારૈયા (રહે. વરતેજ) અને અમજદ દિલાવર ખાન પઠાણ (રહે. અમરેલી) એ વરતેજમાં આવેલ વિશ્વકર્મા જીઆઇડીસી, રાજશક્‍તિ રોડલાઇન્‍સની પાછળના ભાગે આવેલ જગાભાઈ પટેલ નારીવાળાની વાડી પાસેની અવાવરું જગ્‍યામાં ઇંગ્‍લીશ દારૂનો મોટો જથ્‍થો રાખેલ છે અને આ જથ્‍થો સગેવગે કરવાની વેતરણમાં છે.

આ બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બોટલ નંગ-૧૭૬૭ᅠ કિં. રૂ.૬,૮૫,૩૪૦/-ᅠ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૬,૯૩,૩૪૦/- ના મુદ્દામાલ સાથે નરેશ બારૈયા (રહે. વરતેજ) અને અમજદ પઠાણ (રહે. અમરેલી) ને ઝડપી લીધા હતા.

આ બંનેની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્‍થો હરપાલસિંહ રણજીતસિંહ સરવૈયા (રહે. સાંકડાસર-૧ તા. તળાજા) પાસેથી લાવ્‍યા હોવાનું જણાવતા એલસીબી એ ત્રણેય શખ્‍સ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્‍થો ઝડપાયો

આડોડિયાવાસમાં આવેલ અજય ઉર્ફે ભગત ઉર્ફે કાળુ મોહનભાઈ રાઠોડના મકાનમાં એલસીબી પોલીસે મોડી રાત્રે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપટા નંગ-૨૨૨ તેમજ બિયરના ટીન અને બોટલ નંગ-૪૫ મળી કુલ રૂ.૨૭,૭૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એલ.સી.બી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્‍થો કબજે કરી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ અજય ઉર્ફે ભગત ઉર્ફે કાળુ મોહનભાઈ રાઠોડ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્‍યો છે.

(10:03 AM IST)