<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ધ્રોલ ખાતે માર્ગ મકાન વિભાગના અધિકારી પર હુમલો કરનાર એજન્સીને સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે એબેન્સમાં મુકાઈ

ઇજારદાર કે તેના ભાગીદારો કલાસ 'એએ', સ્પે.કેટેગરી.-૧ (રોડ) અને સ્પે.કેટેગરી.-૨ (બ્રીજ) માટેની નોંધણી ત્રણ વર્ષ માટે સ્થગિત થતાં કોઈ ટેન્ડર ભરી શકશે નહી કે નોંધણીનો ઉપયોગ કરી શકશે નહી

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૪ :કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન (પંચાયત), જામનગર હસ્તકના ધ્રોલ તાલુકાના ઈટાળા-રાજપરા-સુમરા રોડ પરના બ્રીજના કામનો વર્ક ઓર્ડર સ્વસ્તિક કન્સ્ટ્રકશન કું., જુનાગઢને સોંપવામાં આવેલ હતી. આ કામ પર ઇજારદાર વતી તેઓના કર્મચારી  અમીતભાઇ ઝાલા સાઇટ પર કામ કરી રહેલ હતા ત્યારે કામનો હવાલો ધરાવતા શ્રી એન.પી.બારડ, મદદનીશ ઈજનેર, પેટા વિભાગીય કચેરી, ધ્રોલ તા.૦૭/૦૮/૨૦૨૪ ના રોજ કામગીરીના મુલ્યાંકન માટે સ્થળ તપાસ માટે ગયેલ હતા.આ મુલાકાત દરમ્યાન બાંધકામના સ્થળ પર  એન.પી.બારડ દ્વારા ઈજારદારશ્રીના હાજર કર્મચારી  અમિતભાઇ ઝાલાને ટેન્ડરની શરતો મુજબ ગુણવત્તાયુકત કામગીરી કરવા માટે સીમેન્ટનો પુરતા પ્રમાણમાં ઉપયોગ કરવા તથા અન્ય કામગીરી કરવા માટે જરૂરી સુચનાઓ આપતા, એજન્સીના કર્મચારી દ્વારા મદદનીશ ઇજનેરશ્રી સાથે ગેરવર્તણુંક કરી અપશબ્દો બોલી શારીરીક ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.અને જાનથી મારી નાખી જમીનમાં દાટી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે ઘટના અંગે મદદનીશ ઈજનેરશ્રી એન.પી. બારડ દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

આ બનાવ સંદર્ભે કાર્યપાલક ઈજનેરશ્રી, પંચાયત મા.મ. વિભાગ, જામનગર દ્વારા સંબંધિત ઈજારદારશ્રીને જરૂરી ખુલાસો રજુ કરવા જણાવાયું હતુ. જેમા ઈજારદારે રજુ કરેલ ખુલાસામાં સમગ્ર ઘટનાનો સ્વિકાર કર્યો હતો. આ બાબતે ઈજારદારશ્રીને કારણદર્શક નોટીસ પાઠવી મુખ્ય ઇજનેરશ્રીની કમિટિ સમક્ષ હાજર રહેવા જણાવાયું હતુ. 

 

ઈજારદારના કર્મચારી દ્વારા સંબંધિત મદદનીશ ઇજનેરને ટેન્ડરની શરતોની શરત-૩ મુજબ ગુણવત્તા યુકત કામગીરી કરવામાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના દ્વારા રાજય સેવક પર ચાલુ ફરજ દરમ્યાન તેઓને સોંપેલ ફરજમાં દખલગીરી કરી રાજય સરકાર દ્વારા સોંપવામાં આવેલ ફરજ બજાવવામાં અટકાવાયા હતા. અને તેઓના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર ઈજારદારશ્રીનો કર્મચારી હોવા છતાં, વિભાગીય કર્મચારીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરતા પગલાં લેવામાં ઈજારદારશ્રી નિષ્ફળ ગયા હોવાથી ઈજારદાર પેઢી માટે કામ કરતાં કર્મચારીની કામગીરી સંબંધિત કરેલ આ પ્રકારની વર્તણુંક માટે ઈજારદાર પેઢી જવાબદાર ઠરતા ભવિષ્યમાં ઈજારદારશ્રીને કામ સોંપવાથી આવી ઘટનાનુ પુનરાવર્તન થવાની શક્યતાઓને નકારી શકાય નહી. સદરહુ બનાવથી રાજય સરકારના પ્રજાલક્ષી કામગીરીમાં અડચણ ઉભી થયેલ છે. આથી ઉપરોકત સમગ્ર બાબતો ધ્યાને લઇ ઈજારદારશ્રીના ખુલાસા ગ્રાહ્ય રાખવા પાત્ર ન જણાતા કાળજીપૂર્વક તપાસ અને વિચારણા બાદ ઇજારદાર સ્વસ્તિક કન્સ્ટ્રકશન કં., જુનાગઢ અને પેઢીના ભાગીદારો જગમલભાઈ ભીખાભાઈ મારડીયા, સંધ્યાબેન જગમલભાઈ મારડીયા તથા રાણાભાઈ ભીખાભાઈ મારડીયાને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બાંધકામની કામગીરી માટે આપવામાં આવેલ કલાસ 'એએ,  સ્પે.કેટે.-૧ (રોડ) અને સ્પે.કેટે.-૨ (બ્રીજ) વર્ગો માટેની નોંધણીને ત્રણ વર્ષ માટે સ્થગિત કરવામાં આવેલ છે. તેમજ ઈજારદાર પેઢી તથા તેમના ભાગીદારો સ્થગિત કરવામાં આવેલ સમયગાળામાં કોઈ ટેન્ડર ભરી શકશે નહી કે આ નોંધણીનો ઉપયોગ કરી શકશે નહી તેવો હુકમ કરવામાં આવેલ છે જામનગર માહિતી વિભાગે વિગતો આપી હતી.

(1:55 PM IST)