News of Saturday, 7th September 2024
ગણપતિદાદાની સૌરાષ્ટ્ર-કચ્છમાં ગામે-ગામ સ્થાપના : મહોત્સવનો પ્રારંભ
આજથી દરરોજ મહાઆરતી, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમોઃ દરરોજ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

રાજકોટ, તા., ૭: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ગણપતિદાદાની સ્થાપના સાથે ગણપતિ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે.
મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે. દરરોજ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) લખધીરવાસ ચોક ખાતે મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવ ૨૦૨૪ યોજાશે તા. ૦૭ થી તા. ૧૭ સુધી દરરોજ સાંજે ૭.૩૦ કલાકે મહાઆરતી યોજાશે. તેમજ દરરોજ રાત્રે રાસ ગરબા યોજાશે જેનો ભક્તોએ લાભ લેવા મયુરનગરી યુવા ગ્રુપ મોરબી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
અનુપમ કા રાજા
મોરબીના શનાળા રોડ પર જીઆઈડીસીની સામે તારીખ ૭ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર સુધી અનુપમ કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ૭ સપ્ટેમ્બરે ગણેશ સ્થાપન કરવામાં આવશે અને ૧૭ સપ્ટેમ્બરે બપોરે ૧૨ વાગ્યે વિસર્જન કરવામાં આવશે. દરરોજ પૂજા અને આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ધર્મ પ્રેમી જનતાને આ ગણેશ મહોત્સવમાં દર્શન અને આરતીનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.
મોરબીમાં હાઉસિંગ બોર્ડ કા રાજા
ગણેશ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્યારે મોરબીના સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૭ સપ્ટેમ્બરના રોજ શનાળા રોડ પર ત્રણ માળીયા ગરબી ચોક ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવશે. સાંજે ૭-૩૦ કલાકે મહાઆરતી કરવામાં આવશે અને રાત્રે ૯-૩૦ કલાકે લાઈવ કાર્યક્રમ યોજાશે.
દેવાધિદેવ મહાદેવના પવિત્ર તહેવાર શ્રાવણ માસ પુરો થતા જ પુત્ર શ્રેષ્ઠ ગણેશજીના ઉત્સવની તૈયારી શરૂ થઇ જાય છ.ે દેવોમાં પ્રથમ પૂજનીય દુંદાળા દેવ ગણપતિને વધાવવા અને આવકારવા માટે આતુર થયા છે. ઠેર ઠેર ગણેશ પંડાલ સહિતની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સાથે રોજે રોજે વિવિધ અન્નકોટ, મહાઆરતી સાથે ધાર્મિક ઉત્સવમાં આયોજન કરાયા છે.
દ્વારકા
(વિનુભાઇ સામાણી દ્વારા) ભાણવડ તાલુકાના ધુમલીમાં બરડા ડુંગરની તળેટીમાં આવેલા સુપ્રસિધ્ધ લુણંગ ગણેશદાદાના મંદિરે ટ્રસ્ટ દ્વારા આજે સવારે ૯-૩૦ કલાકે અન્નકોટ દર્શન, ૧૧ વાગ્યે નૂતન ધ્વજારોહણ, બપોરે ૧ર વાગ્યે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. મહાપ્રસાદના દાતા તરીકે ગાંધીધામના શિવભાઇ લાખિયા તથા કાંતિભાઇ નિંજારે સહયોગ આપ્યો છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : સ્વયંભુ નાગનાથ મહાદેવ મંદિરના સાન્નિધ્યમાં ૧રપ વર્ષથી ઉજવવામાં આવતા ગણેશ ઉત્સવની વિશાળ વર્ણાંગી સાથે સ્થાપના થશે અને અગિયાર દિવસ સુધી શાનદાર ઉજવણી કરવામાં આવશે.
વાંકાનેર
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર : શહેર તથા તાલુકામાં ગણેશ પંડાલોમાં બિરાજમાન થનાર ગણેશજીની વિશાળ શોભાયાત્રાનું આયોજન શ્રી ગણેશ શોભાયાત્રાનું આયોજન શ્રી ગણેશ સમિતિ દ્વારા કરાયું છે. સવારે ૧૦ કલાકે વિશ્વકર્મા મંદિરેથી પ્રસ્થાન થશે. અને માર્કેટ ચોક ખાતે પહોંચશે. જયાં ધર્મસભા યોજાશે. આ શોભાયાત્રાના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય જીતુ સોમાણી તેમજ સંતો-મહંતો રહેશે.
બોટાદ
બોટાદ : શહેરના હરણકુઇ વિસ્તામાં આવેલા નવહથ્થા હનુમાનજી મંદિરે સાર્વજનિક ગણેશ મહોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ દ્વારા શહેરના તુરખા રોડ ઉપર સાંદિપની વિદ્યાલયમાં ભવ્ય ગણેશ મહોત્સ્વની તૈયારીને આખરી ઓફ આપી દેવામાં આવ્યો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરમાં અનેક નાના-મોટા વિસ્તારમાં ગણપતિની નાની-મોટી મૂર્તિનું સ્થાપન કરવા માટે મંડપ-સામિયાણા તેમજ ગણપતિજીના પાંડોલ ઉભા કરવામાં આવ્યા છે. ગણપતિ મંડળો ઉભા કરવામાં આવ્યા છે. ગણપતિ મંડળો તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા ગણપતિજીની નાની - મોટી મૂર્તિઓની સ્થાપના કરાઇ છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
