News of Monday, 9th September 2024
દેવભૂમિમાં પ્રવેશબંધીના હુકમને અવગણીને આવેલા ગુજસીટોકના આરોપીઓને પોલીસે અટકાવતા હેડ કોન્સ્ટેબલ પર હુમલો

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા તા. ૯ : કલ્યાણપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ ભીખાભાઈ ચાવડાએ ચાવડા તેમજ અન્ય પોલીસ કર્મીઓ હર્ષદ ચેક પોસ્ટ પાસે તેમની ફરજ પર હતા. ત્યારે તેમને માહિતી મળી હતી કે મીઠાપુર પોલીસ મથકના ગુજસીટોકના ગુનાના કેટલાક આરોપીઓ દ્વારકા જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન મુક્ત થયા હતા તેઓ કેટલાક દિવસોથી દ્વારકા પંથકમાં રહેતા હતા.
આ પ્રકારના આરોપીઓ સફેદ કલરની એક મોટરકારમાં પોરબંદર હાઈવે રોડ પર જવાની પેરવીમાં હતા તેવી માહિતી હતી. જેથી ચેક પોસ્ટ નજીકથી પસાર થઈ રહેલી જી.જે. ૩૭ જે. ૭૪૪૫ નંબરની સફેદ કલરની એક ક્રેટા મોટરકારને પૂર ઝડપે જતા અટકાવવા હાથ વડે ઇશારો કરીને સૂચના આપી હતી. આ મોટરકારમાં મીઠાપુર ગામના માનસંગભા ધાંધાભા સુમણીયા, ટોબર ગામના રાયદેભા ટપુભા કેર, મેવાસા ગામના મેરૂભા વાલાભા માણેક તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો સહિત કુલ પાંચ શકશો હોવાનું જાહેર થયું છે.
આ કારમાં જઈ રહેલા ચાલકે કાર થોભાવવાના બદલે સૂચના આપનાર પોલીસ કર્મચારી તેમની ફરજનું પાલન કરી રહ્યા હતા તેમ જાણવા છતાં પણ તેના પર કાર ચડાવીને મારી નાખવાના ઇરાદે હુમલો કર્યાનું જાહેર થયું છે. આ બનાવથી પોલીસ કર્મીને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થવા પામી હતી. આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદી પાસે રહેલી બેરીકેટિંગને ટક્કર મારી આ બેરીકેટિંગને નુકસાની કર્યાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે બે અજાણ્યા સહિત તમામ પાંચ શખ્સો સામે કલમ ૧૦૯ (૧), ૧૨૧ (૧), ૩(૫) તથા પબ્લિક પ્રોપર્ટી એન્ડ ડોમેસ્ટિક એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, દ્વારકા સર્કલના ડીવાયએસપીના વડપણ હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. કે.બી. રાજવીએ હાથ ધરી છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
