News of Tuesday, 10th September 2024
પોરબંદરના સાગર ખેડુત સાથે સરકારનું ઓરમાયું વર્તનઃ ભૂમિ પુત્રોની જેમ લાભો અપાતા નથી
ભારે વરસાદ તથા દરિયામાં વાવાઝોડા જેવા પવનથી માછીમારોને નુકસાનઃ સીઝન મોડી શરૂ થઇઃ ૧૧ કરોડની સાગર ખેડુ યોજના આભાસીઃ રજુઆતોમાં આશ્વાસનોઃ માછીમારો સરકારી યોજનાનો લાભ લઇ શકતા નથીઃ વચેટીયાઓ મલાઇ ઉતારી લેતાની ફરીયાદો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦: ભૂમિ પુત્રોને સરકાર દ્વારા જે લાભો અપાય છે તેની સરખામણીમાં સાગર પુત્રો માછીમારોને પુરતા લાભ અપાતા નથી. તાજેતરમાં અતિવૃષ્ટિથી કાંઠે બોટોને મોટુ નુકશાન તેમજ દરિયામાં વાવાઝોડાની સંભાવનાથી ફિશીંગ સીઝન મોડી શરશ્રૂ થતાં માછીમારોને આર્થિક નુકસાન થયું છે. કુદરતી આપતીઓમાં ધરતી પુત્રોને જે રીતે સરકાર દ્વારા લાભો અપાય છે પરંતુ સાગર પુત્રો પાસે સરકાર દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવે છે.
માછીમારો માટે ૧૧ કરોડની સાગર ખેડુ યોજના આભાસી રહી છે માછીમારોને સીધા લાભ આ યોજનાથી મળ્યા નથી કેટલાક વચેટીયાઓ રજુઆતો કરીને મલાઇ ઉતારી લેતા નાના માછીમારો સુધી લાભ પહોંચ્યાં નથી તે સામે કચવાટ થઇ રહ્યો છે.
તાજેતરમાં દરિયામાં વાવાઝોડા જેવા પવનને લીધે ફિશરીઝ ખાતા દ્વારા ફિશીંગમાં રહેલી તમામ બોટોને દરિયામાંથી પરત બોલાવી લીધી હતી. ફિશીંગ સીઝન મોડી થતાં માછીમારોને કરોડોનું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં માછીમારોને રાહત માટે સરકાર વિચાર કરતી નથી. ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ માત્ર નિવેદનો કરીને સંતોષ માની લ્યે છે અને માછીમારોના પ્રશ્નો હતા ત્યાં રહે છે કેટલાંક ભોળા માછીમારો રાજકીય નેતાના લોભામણા વચનોમાં આવી જાય છે અને છેલ્લે માછીમારીનો હાલત દયનીય બનીને રહે છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
