News of Friday, 13th September 2024
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ૭૦ ટકા ભરાયો : ૧૮ ગામોને ચેતવણી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, ૧૩ : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ ની સપાટી ધીમી ગતિએ છેલ્લા ૨૨ દિવસથી અવિરતપણે વધી રહી છે. તેનું કારણ છે ધારીના ખોડીયાર ડેમમાંથી ઓવરફ્લો રૂપે જે પાણી વહી રહ્યું છે તે શેત્રુંજી ડેમમાં આવે છે. શેત્રુંજી ડેમ ૭૦ ટકાથી વધારે ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ ૨૮ .૮ ફૂટે પહોંચી ગઈ છે અને હજુ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી ૮૦૭ કયુસેક પાણીની આવક શરૂ છે તેથી ડેમની સપાટી હજુ પણ વધશે. ઉલ્લેખનીય છે કે શેત્રુંજી ડેમ ૩૪ ફૂટે ઓવરફ્લો થાય છે.
ઉપરવાસમાંથી આવી રહેલા અવિરત પ્રવાહને કારણે શેત્રુંજી ડેમ હેઠળના ૧૮ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માઈધાર, મેંઢા તથા ભાવનગર તાલુકાના ભેગાળી, દાંત્રડ,પીંગળી, ટીમાણા, શેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર સહિતના ગામના લોકો ને સાવધાન રહેવા જણાવાયું છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
