News of Monday, 16th September 2024
જૂનાગઢમાં પોલીસ કેસમાં સમાધાન માટે પૈસા નહિ આપતા ૭ શખ્સનો યુવાન પર છરી વડે હુમલો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૫: જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે આવેલ ચુનારા વાસમાં જાહેર શાહ બાપુની દરગાહ પાસે રહેતો ૧૮ વર્ષીય એહસાન બાબુભાઈ મડમ નામનો યુવાન એક મહિના પહેલા મજેવડી દરવાજા પાસેથી ચાલીને જતો હતો ત્યારે ધારાગઢ દરવાજા દરગાહ પાસે રહેતો એજાજ ઉર્ફે એજલોએ બાઈક અથડાવ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી તમે મારામારી થઈ હતી. આ બાબતે એજાજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં એજાજ સમાધાન કરવા માટે પૈસા માગતો હતો પરંતુ એહસાને પૈસા આપવાની ના પાડી હતી.
દરમિયાન શનિવારની મોડી રાત્રે યુવક ખામધ્રોળ ચોકડીએ ગાંઠિયાની દુકાને જમવાનું પાર્સલ લેવા ગયો હતો. અને પાર્સલનો ઓર્ડર આપી દુકાને ઉભો હતો એવામાં એજાજ તેમજ જીણાબાપુ ગુલાબબાપુ બુખારી, અબુડી ગુલાબબાપુ બુખારી, શાહરૂખ મકરાણી, સમીર ઉર્ફે તોતડો સમા, બટરીયો અને એક અજાણ્યા શખ્સે પોલીસ કેસમાં સમાધાન કરવા રૂપિયા નહીં આપ્યાનું મનદુઃખ રાખી માર મારી છરી વડે હુમલો કરી એહસાનને છાતી, કમર અને બંને પગમાં ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયા હતા. આ હુમલામાં ઈજા પામેલા યુવાનને મિત્રોએ બાઈક પર સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
તાલુકા પોલીસે હુમલાખોરો વિરુદ્ધ રાયોટિંગ વગેરેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
