<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

જસદણમાં વધુ એક યુવાન વ્‍યાજના ચક્રમાં ફસાયોઃ ૨ વ્‍યાજખોરો સહિત ૫ સામે ફરિયાદ

વ્‍યાજખોરોએ પ્રોમીસરી નોટ લખાવી લઇ કોરા ચેક લઇ લીધાઃ કાર સહિત ૪ વાહનો અને મોબાઇલ પડાવી લીધા

રાજકોટ તા.૧૯: જસદણમાં વધુ એક યુવાન વ્‍યાજના ચક્રમાં ફસાયા બાદ વ્‍યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી વાહનો મોબાઇલ અને કોરો ચેક પડાવી લેતા ર વ્‍યાજખોરો સહિત પ સામે પોલીસમાં ફરિયાદ થઇ છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ જસદણ ગંગાજીવન શાંતિનિકેતન સ્‍કુલની બાજુમાં રહેતા અને મજુરી કામ કરતા મીલનભાઇ રાજુભાઇ મોખાએ આરોપી કિશોર ઉર્ફે કિશન વાઘેલા રે.કનેસરા, અક્ષય ભરતભાઇ મોખા રે.ઉંટવડ તા.બાબરા, નરેશ ઉર્ફે નાગરાજ ધાંધલ રે.ઉંટવડ, રઘાભાઇ શિવરાજભાઇ દરબાર રે.કણકી તા.બાબરા તથા અન્‍ય એક અજાણ્‍યા શખ્‍સ સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીને રૂપિયાની જરૂરીયાત પડતા આરોપી કિશોર  પાસેથી પ્રથમ ૧ લાખ માસીક ૩૩,૦૦૦ વ્‍યાજ લેખે લીધા હતા. બાદમાં ટુકડે-ટુકડે કુલ ૯ લાખ વ્‍યાજે લઇ ફરીયાદીએ ૯ લાખ ૧૬ હજાર ચુકવી દિધેલ હોવા છતાં  મુળ રકમ તથા ઉંચા વ્‍યાજની માંગણી કરી ધમકી આપી ફરીયાદી પાસેથી પ્રોમીસરી નોટ લખાવી લઇ ફરીયાદીની સહીવાળા રકમ ભર્યા વગર નાગરીક બેંકના પ ચેક લઇ લીધા હતા. તેમજ ફરીયાદીની અર્ટીગા કારનું લખાણ સહિત ભકિતના નામનું કરી બે મોબાઇલ પડાવી લીધા હતા. તેમજ ચેક રીર્ટન તથા છેતરપીંડીની ફરીયાદ કરવાાની ધમકી આપી હતી.

આરોપી કિશોરને રૂપિયા ચુકવવા માટે ફરીયાદીએ આરોપી અક્ષય મોખા પાસેથી ૧૦ ટકા લેખે ૪ લાખ વ્‍યાજે લીધા હતા. અને બદલામાં બે ઇકો કાર તથા ફોર્ડ ફિગો કાર ફરીયાદી પાસેથી લઇ લીધી હતી. આરોપી અક્ષયને ૭૦ હજાર વ્‍યાજ ચુકવ્‍યું હોવા છતાં વ્‍યાજની ઉઘરાણી માટે અન્‍ય આરોપી ૩થી૫નાને બોલાવી ફરીયાદી પાસેની મોબાઇલ ફોન તથા તૈયાર લખાણવાળા કાગળોમાં ફરીયાદીના અંગુઠાના નિશાન તથા સહીઓ લઇ મદદગારી કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે જસદણ પોલીસે ઉકત પાંચેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.

(11:28 AM IST)