News of Thursday, 19th September 2024
ઉમિયાધામ સિદસરમાં મહોત્સવની ઉછામણીમાં સવા છ કરોડનું દાન એકત્ર
મા ઉમિયાના પ્રાગટયના ૧રપ વર્ષ નિમિતે રપ થી ર૯ ડિસેમ્બર શ્રી સવા શતાબ્દી મહોત્સવ યોજાશે મહોત્સવના મુખ્ય યજમાન બનતા ઉદ્યોગપતિ જગદીશભાઇ કોટડીયા અને પુનિતભાઇ ચોવટીયાઃ દાતાઓ વરસી પડયા

રાજકોટઃ ઉમિયાધામ સિદસર ખાતે કુળદેવી માઁ ઉમિયા ના સાનીધ્યમાં ભકિતની શકિત સાથે સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે આગામી ૨પ થી ૨૯ ડીસેમ્બર ૨૦૨૪ માં ઉમિયા માતાજીનો ૧૨૫ મો પ્રાગટય મહોત્સવ રંગે ચંગે ઉજવવાશે. આ અંગેની આ સવા શતાબ્દી મહોત્સવમાં શતાબ્દી મહોત્સવના પ્રમુખ તરીકે મૌલેશભાઇ ઉકાણીની વરણી કરવામાં આવી છે. ઉછામણીમાં એક કલાકમાં સવા છ કરોડનું દાન એકત્ર થયુ હતુ.
આ ઉછામણીમાં રૂા. ૧.૫૧, કરોડ જેવી માતબાર રકમનું દાન આપી સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા તથા ઉદ્યોગપતિ પુનીતભાઈ ચોવટીયા શ્રી સવા શતાબ્દી મહોત્સવના મુખ્ય યજમાન બન્યા છે. આ ઉપરાંત સહયજમાન તરીકે રૂા. ૫૧, લાખનું દાન આપનાર જીવનભાઈ ગોવાણી, તથા બીજા સહયજમાન તરીકે ધનજીભાઈ માકાસણા એ ૫૧ લાખનો સહયોગ નોંધાવ્યો છે. ત્રીજા સહ યજમાન તરીકે વસંત બિલ્ડર્સના મુળજીભાઈ ભીમાણી, મનસુખભાઈ ભીમાણી, વસંતભાઈ ભીમાણી ચોથા સહ યજમાન તરીકે એન્જલ ગ્રુપના શિવાલાલભાઈ આદ્રોજા, અશ્વિનભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, જીજ્ઞેશભાઈ આદ્રોજા તરફથી ૫૧ લાખનો સહયોગ પ્રાપ્ત થયો હતો. મહોત્સવના અન્નપૂર્ણા દાતા તરીકે રૂા. ૨પ લાખ નુ દાન આપી નંદલાલભાઈ માંડવીયા, ભોજનાલયના દાતા તેમજ અન્ય મુખ્ય દાતાઓની થઇ એક કલાકમાં કુલ ૬.૨૫ કરોડનું દાન એકત્ર થયું હતુ.
૫ાંચ દિવસના શ્રી સવા શતાબ્દી મહોત્સવની ઉછામણી પ્રસંગે ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, તથા ગોવિંદભાઈ વરમોરાએ ઉછામણીની કાર્યવાહી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે મહોત્સવની રૂપરેખા તથા ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ બી.એચ.ધોડાસરા, મનસુખભાઈ પાણ, મગનભાઈ જાવીયા, પાટીદાર મહાપદમ્ જીવનભાઈ ગોવાણી, ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ કણસાગરા, ભૂપતભાઈ ભાયાણી ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન કૌશીકભાઈ રાબડીયાએ કર્યુ હતુ.
ઉમિયાધામ સિદસર ખાતે હર વર્ષની માફક આ વર્ષે પણ મા ઉમિયાના ૧૨૫ માં પ્રાગટય દિન નિમિતે ૧૧ કુંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન તરીકે શ્રીમતિ કોમલબેન તથા દિપકભાઈ જીવનભાઈ ગોવાણી એ લાભ લીધો હતો.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
