<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

મોરબીમાં ડેન્‍ગ્‍યૂ અને મેલેરિયાનો ભારે ઉપદ્રવ

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૯ : મોરબી જિલ્લામાં ચોમાસાના સમયગાળા દરમિયાન છેલ્લા અઢી મહિનામાં મોરબી સિવિલ હોસ્‍પિટલમાં ડેન્‍ગ્‍યુના ૫૨ કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. જયારે મેલેરિયાના સાદા ૬૭ અને ઝેરી ૬ કેસ નોંધાયા છે અને તાવ - શરદી ઉધરસના ઋતુજન્‍ય રોગચાળાના દરરોજના ૨૦૦ જેટલા કેસ સામે આવી રહ્યા હોવાનું સિવિલ સત્તાવાળાઓ જણાવી રહ્યા છે. બીજી તરફ મોરબી જિલ્લા પંચાયતમાં ડેન્‍ગ્‍યુના જુલાઈથી માંડી ૯ સપ્‍ટેમ્‍બર સુધીમાં ૩૮ કેસ જયારે મેલેરિયાના ૨૭ જ કેસ નોંધાયા હોવાનું સત્તાવાર આંકડામાં જણાવાયું છે, જેથી જિલ્લા પંચાયતના આરોગ્‍ય વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી છે.

મોરબી સિવિલ હોસ્‍પિટલમાં જુલાઈ માસમાં ડેન્‍ગ્‍યુના ૧૦૧ કેસની તપાસ કરવામાં આવતા ૪ કેસ પોઝિટિવ આવ્‍યા હતા જેની સામે ઓગસ્‍ટ માસમાં ૧૯૧ કેસની તપાસ કરવામાં આવતા ડેન્‍ગ્‍યુના ૨૧ કેસ પોઝિટિવ આવ્‍યા હતા આ ઉપરાંત ચાલુ માસમાં ૧૭ સપ્‍ટેમ્‍બર સુધીમાં ૩૫૪ દર્દીઓને તપાસવામાં આવતા ૨૭ દર્દીઓ ડેન્‍ગ્‍યુ પોઝિટિવ આવ્‍યા હતા. કુલ મળી મોરબી સિવિલમાં ૬૪૬ દર્દીઓને તપાસવામાં આવતા ૫૨ દર્દીઓને ડેન્‍ગ્‍યુ થયો હોવાનું સામે આવ્‍યું હતું.

બીજી તરફ સમગ્ર મોરબી જિલ્લાના પ્રજાજનોના આરોગ્‍યની સંભાળ રાખવાની જેની જવાબદારી છે તેવા મોરબી જિલ્લા પંચાયતના આરોગ્‍ય વિભાગ પાસેથી સત્તાવાર રીતે આંકડા લેવામાં આવતા જુલાઈ માસમાં ૧૧૧ દર્દીઓને તપાસવામાં આવતા ૪ દર્દીઓ ડેન્‍ગ્‍યુ પોઝિટિવ આવ્‍યા હતા. એ જ રીતે ઓગસ્‍ટ માસમાં ૨૮૨ દર્દીઓને તપાસવામાં આવતા ૨૦ દર્દીઓ અને ૯ સપ્‍ટેમ્‍બર સુધીમાં ૧૭૨ દર્દીઓની ચાલુ માસમાં તપાસની કરવામાં આવતા ૧૪ દર્દીઓ પોઝિટિવ જણાતા કુલ ૫૬૫ દર્દીઓની તપાસ બાદ ૩૮ દર્દીઓ ડેન્‍ગ્‍યુ પોઝિટિવ જણાયા હોવાનુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્‍યું હતું. આ, સિવિલ હોસ્‍પિટલ અને જિલ્લા પંચાયતના ડેન્‍ગ્‍યુના આંકડામાં વિરોધાભાસ સામે આવ્‍યો છે.

મોરબી જિલ્લામાં છેલ્લા અઢી માસમાં મેલરિયા પણ વકર્યો હોવાનું સરકારી આંકડા ઉપરથી જણાઈ રહ્યું છે, જુલાઈ માસમાં ૧૯, ઓગસ્‍ટમાં ૨૯ અને ૧૬ સપ્‍ટેમ્‍બર સુધીમાં સિવિલ હોસ્‍પિટલમાં ૧૯ સાદા મેલરિયાના કેસ મળી ૬૭ કેસ સામે આવ્‍યા હતા અને અઢી મહિનાના આ સમયગાળામાં ઝેરી મેલરિયા છ કેસ સામે આવ્‍યા હતા. બીજી તરફ જિલ્લા પંચાયતના આંકડા મુજબ જુલાઈમાં ૭, ઓગસ્‍ટમાં ૧૪ અને ૯ સપ્‍ટેમ્‍બર સુધીમાં ૬ મળી ૨૭ મેલરિયા કેસ નોંધાયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે

(11:51 AM IST)