<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્‍ચે અકસ્‍માતે મૃત્‍યુ

જામ ખંભાળિયા,તા. ૨૦: વડત્રા ગામ પાસે આવેલી હોટલ પાસે ટાટા કંપની મીઠાપુરમાં સિમેન્‍ટના પાઈપ ઉતારીને પરત આવી રહેલા જી.જે. ૩૬ ટી. ૪૬૪૩ નંબરના એક ટ્રકના ચાલક લીલાભાઈ હરભમભાઈ અમર (ઉ.વ. ૫૭, રહે. રાણાવાવ) ના ટ્રક સાથે જી.જે. ૨૭ ટી.ટી. ૭૩૫૩ નંબરના એક કેરી છોટા હાથી વાહનના ચાલક જયરામ ભીખાભાઈ ભરવાડે ટ્રક સાથે પાછળના ભાગે ધડાકાભેર અકસ્‍માત સજર્યો હતો. આ અકસ્‍માતમાં તેની સાથે બેઠેલા દેવાભાઈ બાથાભાઈ ભરવાડનું મૃત્‍યુ નીપજયું હતું. જયારે પોતાને પણ શરીરના જુદા જુદા ભાગોમાં મૂઢ ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મેર લીલાભાઈ અમરની ફરિયાદ પરથી જયરામભાઈ ભીખાભાઈ ભરવાડ સામે તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ એમ. એચ. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી વ.

ભાટિયામાં પરપ્રાંતિય શ્રમિકનું વીજ શોકના કારણે અપમૃત્‍યુ

મધ્‍ય પ્રદેશ રાજયના ઇન્‍દોર જિલ્લાના મૂળ વતની અને હાલ ભાટિયા ગામે રહી અને મજૂરી કામ કરતા આકાશ સંતોષભાઈ ભુરીયા નામના ૧૯ વર્ષના યુવાનને ગત તા. ૧૬ ના રોજ ભાટિયામાં આવેલી એક ફેક્‍ટરીમાં મજુરી કામ કરતી વખતે ઇલેક્‍ટ્રીક મોટરને અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્‍યો હતો અને તેમનું મૃત્‍યુ નીપજયું હતું. આ બનાવ અંગેની જાણ સંતોષભાઈ ભુરીયા (ઉ.વ. ૪૨) એ કલ્‍યાણપુર પોલીસને કરી છે.

કુરંગા ગામે પરપ્રાંતિય યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

કુરંગા ગામે આવેલી એક ખાનગી કંપનીની લેબર કોલોનીમાં રહેતા અને દેવટીયા જિલ્લાના અહિરોલી ગામના મૂળ વતની જયરામ ઇન્‍દર યાદવ (ઉ.વ. ૪૯) ને હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્‍યુ નિપજયું હોવાની જાણ દ્વારકા પોલીસમાં કરાઈ છે.

નંદાણા નજીક ટ્રકની અડફેટે બાઈક સવાર બે બંધુઓ

જુવાનપુર ગામે રહેતા રાજાભાઈ ચનુભાઈ કછટીયા નામના ૬૩ વર્ષના વૃદ્ધના બે પુત્રો જમનભાઈ અને ભીખુભાઈ તેમના જી.જે. ૩૭ એચ. ૩૮૩૯ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્‍યારે કલ્‍યાણપુરથી આશરે ૨૪ કિલોમીટર દૂર નંદાણાથી લીંબડી ગામ તરફ જતા માર્ગ પાસે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૨૫ યુ. ૯૨૯૯ નંબરના એક ટ્રકના ચાલકે આ મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્‍માત સજર્યો હતો. જેના કારણે બાઈક પર જઈ રહેલા જમનભાઈ અને ભીખુભાઈને નાની-મોટી ઈજાઓ સાથે સ્‍થાનિક હોસ્‍પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

ખંભાળિયામાં બે જુગારીઓ ઝડપાયા

ખંભાળિયામાં આવેલા ટાઉનહોલ પાસેથી પોલીસે ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા દિવ્‍યેશ પ્રવીણભાઈ સોની (૩૦) અને પ્રતાપ બાબુભાઈ પ્રજાપતિ (૪૮)ને રૂપિયા ૭,૯૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

ઓખામાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા માછીમાર સામે કાર્યવાહી

ઓખામાં મારુતિ નગર વિસ્‍તારમાં રહેતા હમીદભાઈ હાસમભાઈ સંઘાર નામના ૪૩ વર્ષના માછીમાર યુવાને પોતાની યાંત્રિક બોટમાં માછીમારી કરવા માટેનું મત્‍સ્‍યોદ્યોગ દ્વારા આપવામાં આવેલા ટોકનમાં ત્રણ વ્‍યક્‍તિઓને મંજૂરી મેળવી વધુ એક વ્‍યક્‍તિને ખલાસી તરીકે બોટમાં લઈ જતા દરિયામાં માછીમારી કરી, નિયમોનું ઉલ્લંઘન કરતા તેની સામે ગુજરાત ફિશરીઝ એક્‍ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

(11:51 AM IST)