<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

હળવદના ચરાડવામાં મહાકાળી આશ્રમના મંદિરમાંથી ચાંદની ચોરી કરનાર પકડાયોઃ સાગ્રીતનું નામ ખુલ્‍યું

૭૫ હજારની ત્રણ કિલો ચાંદી સાથે પીઆઇ આર.ટી. વ્‍યાસ અને ટીમે રાકેશ આદિવાસીને દબોચ્‍યોઃ નજીકમાં ઝૂપડુ બાંધી મજુરના સ્‍વાંગમાં રહેતો હતોઃ ચરાડવા ચોરી કર્યા બાદ રાકેશના સાગ્રીતે ધ્રાંગધ્રામાં પણ ચોરી કરતાં ત્‍યાં પકડાઇ ગયો હતો

રાજકોટ તા. ૨૦: હળવદના ચરાડવા ગામે આવેલા શ્રી મહાકાળી આશ્રમના મંદિરમાં થયેલી ત્રણ કિલો ચાંદીની ચોરીનો ભેદ હળવદ પોલીસે ઉકેલી મંદિર નજીક કડીયાણા ગામે ઝુપડુ બાંધીને રહેતાં આદિવાસી શખ્‍સ રાકેશ ઉર્ફ રાજુ રેસીંગભાઇ રાઠવા (રહે. મુળ ઝરખડી ફળીયા, ડોલરીયા ગામ, છોટા ઉદેપુર)ને પકડીલઇ તેની પાસેથી ૭૫ હજારની ૩ કિલો ચાંદી કબ્‍જે કરી છે. ચોરીમાં તેનો એક સાગ્રીત પણ સામેલ હોવાની વિગતો બહાર આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ચરાડવા શ્રીમહાકાળી આશ્રમના મંદિરમાંથી ચાંદીની ચોરી થઇ હોઇ આ બાબતે ગુનો દાખલ થયો હતો. રાજકોટ રેન્‍જ આઇજીપીશ્રી અશોકકુમાર યાદવ, મોરબી જીલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠીએ ગુનો ઉકેલવા સુચના આપી હોઇ હળવદ પીઆઇ આર. ટી. વ્‍યાસ અને તેની ટીમ કામે લાગી હતી. દરમિયાન એએસઆઇ એ. એન. સિસોદીયા અને કોન્‍સ. હરવિજયસિંહ ઝાલાની બાતમી પરથી ચરાડવા નજીક કડીયાણા ગામે રહેતો રાકેશ ઉર્ફ રાજુને શંકાને આધારે ઉઠાવી લીધો હતો. પુછતાછ દરમિયાન તેણે ચોરી કબુલી હતી અને ત્રણ કિલો ચાંદી પણ કાઢી આપતાં પોલીસે કબ્‍જે લીધી હતી. 

આ શખ્‍સ હાલ કડીયાણા ગામે ઝુપડુ બાંધીને રહે છે અને છુટક મજૂરી કરે છે. તેણે અને તેના એક સાગ્રીતે મળીને આ ચોરી કર્યાની વિગતો ખુલી રહી છે. ચરાડવા ખાતે ચોરી કર્યા બાદ સાગ્રીતે ધ્રાંગધ્રામાં પણ હાથફેરો કર્યો હોઇ હાલ ત્‍યાંની પોલીસે તેને સકંજામાં લીધાની માહિતી મળી રહી છે. ઝડપાયેલા બંને નશો કરવાની આદત ધરાવે છે. પૈસા માટે ચોરી કર્યાનું રટણ કર્યુ હતું.

સાગ્રીતનો ધ્રાંગધ્રાથી કબ્‍જો મેળવી વધુ તપાસ હાથ ધરાશે.  આ કામગીરી  પોલીસ ઇન્‍સ્‍પેકટર આર.ટી.વ્‍યાસ, પીએસઆઇ વી. જી. બોરીચા, એએસઆઇ એ.એન. સીસોદીયા, આર.એમ. ગોહિલ, હેડકોન્‍સ. એન.એમ. ગૌ્‌સ્‍વામી, વિપુલભાઈ ભદ્રકીયા, કોન્‍સ. હરવિજયસિંહ ઝાલા, કોન્‍સ. ગંભીરસિંહ ચૌહાણ, દીપકસિંહ કાઠીયા, મનોજભાઇ પટેલ તથા લીંબાભાઇ રબારીએ કરી હતી.

(11:51 AM IST)