<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ફાટક મુક્‍ત ગુજરાત અભિયાન અંતર્ગત સાવરકુંડલાના મહુવા રોડ પર રેલવે ઓવરબ્રિજનું ખાતમુર્હૂત કરતાં ભૂપેન્‍દ્રભાઈ પટેલ

સાવરકુંડલા ખાતે રેલવે ફાટક નં.૬૭ ઉપર રુ.૫૪ કરોડ ૪૦ લાખના ખર્ચે ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજ નિર્મિત થતાં ટ્રાફિક સમસ્‍યાનું નિવારણ થશે : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે સાવરકુંડલા તાલુકામાં રૂા.૨૭ કરોડ ૨૪ લાખના ખર્ચે નિર્મિત ૩ (ત્રણ) ૬૬ કે.વી સબ સ્‍ટેશન, રુ.૪૩ લાખના ખર્ચે લીલીયા ગ્રામ પંચાયતના જેટીગ મશીનનું લોકાર્પણ : સાવરકુંડલા ખાતે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનું ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા, સ્‍થાનિક પદાધિકારીશ્રીઓ, વિવિધ સંસ્‍થાઓના આગેવાનો-શ્રેષ્‍ઠીઓ દ્વારા ફૂલહારથી સ્‍વાગત અભિવાદન

 અમરેલી તા.૨૦  : અમરેલી એસ.ટી.બસ સ્‍ટેશન ખાતે નવીન અદ્યતન સુવિધાસભર બસપોર્ટના લોકાર્પણ, સ્‍પોર્ટસ કોમ્‍પલેક્‍સ અને રાજમહેલ નવીનીકરણ સહિત જિલ્લામાં રાજ્‍યના વિવિધ વિભાગના રુ.૨૯૨ કરોડના ૭૭ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્‍પોનાં લોકાર્પણ-ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા પધારેલ રાજ્‍યના મળદુ, મક્કમ અને સરળ મુખ્‍યમંત્રી   ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદહસ્‍તે ફાટક મુક્‍ત ગુજરાત અભિયાન અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા વિસ્‍તારના મહુવા રોડ પર રેલવે ઓવરબ્રિજનું  ખાતમુર્હૂત થયું હતું. ઉલ્લેખનીય છે કે, સાવરકુંડલા ખાતે રેલવે ફાટક નં.૬૭ ઉપર રુ.૫૪ કરોડ ૪૦ લાખના ખર્ચે ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજ નિર્મિત થતાં ટ્રાફિક સમસ્‍યાનું નિવારણ થશે. ૯૧૧ મીટરની લંબાઈના રેલવે ઓવરબ્રિજ ૨૨ પિયર પર બનાવવામાં આવશે. બ્રિજની બંને તરફ સર્વિસ રોડની પહોળાઈ પણ ૫ થી ૬ મીટર જેટલી રહેશે. આમ, આ રેલવે ઓવરબ્રિજ લોકોની ભૌતિક સુખાકારીમાં વધારો થશે તે સાથે સાવરકુંડલા શહેરના વિકાસની એક નવી દિશા ખુલશે.

 રાજ્‍યના મુખ્‍યમંત્રી   ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદહસ્‍તે સાવરકુંડલા તાલુકામાં રુ.૨૭ કરોડ ૨૪ લાખના ખર્ચે નિર્મિત ૩ (ત્રણ) ૬૬ કે.વી  સબ સ્‍ટેશન ઉપરાંત રુ.૪૩ લાખના ખર્ચે લીલીયા ગ્રામ પંચાયતના જેટીગ મશીનનું તકતી અનાવરણ સાથે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

  સાવરકુંડલા તાલુકામાં ૬૬ કેવી સબ સ્‍ટેશનના લોકાર્પણથી આ વિસ્‍તારનું વીજ માળખુ વધુ સુદ્રઢ બનશે. ૬૬ કેવી સબ સ્‍ટેશન આદસંગ, ભોંકરવા અને ગોરડકા ખાતે નિર્માણ થતા સાવરકુંડલાના ૨૧ ગામોના ૬,૫૨૧ વીજ ગ્રાહકોને લાભ મળશે. આ સબ સ્‍ટેશન કાર્યરત થવાથી હાઈ ટેન્‍શન તેમજ લો ટેન્‍શનના ઔદ્યોગિક, વ્‍યાપારિક, ખેતીવાડી તેમજ ઘર વપરાશના કનેક્‍શન ધરાવતા વિવિધ ગ્રાહકોને પૂરતા વીજ દબાણથી તેમજ સાતત્‍યપૂર્ણ રીતે વીજ પુરવઠો મળશે, આ ઉપરાંત ભવિષ્‍યની વીજ માંગને પણ સંતોષી શકાશે.

 સાવરકુંડલા ખાતે પધારેલ મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલનું ધારાસભ્‍યશ્રી મહેશભાઈ કસવાલા, સ્‍થાનિક પદાધિકારીશ્રીઓ, વિવિધ સંસ્‍થાઓના આગેવાનો-શ્રેષ્ઠીઓ દ્વારા ફૂલહારથી સ્‍વાગત અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

 સાવરકુંડલા ખાતે રેલવે ઓવરબ્રિજ ખાતમુર્હૂત, ૬૬ કે.વી  સબ સ્‍ટેશન ઉપરાંત લીલીયા ગ્રામ પંચાયતના જેટીગ મશીનના  લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્‍ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્‍તારના ધારાસભ્‍ય કૌશિકભાઈ વેકરિયા, જિલ્લાના ધારાસભ્‍ય સર્વ શ્રી મહેશભાઈ કસવાલા,શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનકભાઈ તળાવિયા સહિત પદાધિકારીશ્રીઓ, સ્‍થાનિક આગેવાનો, સાવરકુંડલા શહેર શ્રેષ્ઠીઓ, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા પોલીસ વડા   હિમકર સિંઘ, સાવરકુંડલા પ્રાંત અધિકારી   ભાલાળા સહિત ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:05 PM IST)