<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

અમરેલીના થોરડી ગામની ગૌશાળાની ગાયોને બચાવવા સિંહ સાથે બાથ ભીડી

મહિના પેલા સિંહ સાથે ઝઝૂમતા આ જ શ્વાનનો વિડીયો વિશ્વભરમાં વાયરલ થયો હતો

અમરેલીઃ થોરડી ગામની વાડીમાં આવેલી ગૌશાળા ગાયો પર સિંહ હૂમલો ન કરે તે માટે વાડીનાં શ્વાને સિંહ સાથે બાથ ભીડી લીધી હતી અને જેમાં છેવટે શ્વાને પોતાનો જીવ ખોયો પણ સિંહનાં હૂમલાને નિષ્‍ફળ બનાવ્‍યો હતો. આવા વફાદાર અને ઝાંબાજ  શ્વાનનું કરુણ મળત્‍યુ થતા થોરડી અને સમગ્ર વિસ્‍તારમાં દુઃખની લાગણી ફેલાઈ જવા પામી છે.

અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાં થોરડી ગામે આવેલી ડો.પ્રકાશભાઈની વાડીમાં નિરાધાર અને બિમાર ગાયો માટે ગૌશાળા આવેલી છે.જેમાં આશરે ૧૫૦ જેટલી ગાયોને સાચવવામાં આવે છે. આ ગાયોની રાત્રે સુરક્ષા માટે વાડીમાં શ્વાન પાળવામાં આવ્‍યા છે. થોરડી ગામ અને આજુબાજુનાં વિસ્‍તારમાં સિંહોનો કાયમી વસવાટ છે. જેથી શિકારની શોધમાં સિંહોનાં રાત્રે આંટાફેરા હોય એ એક સામાન્‍ય બાબત બની ગઈ છે. આજથી આશરે મહિના પહેલા આ જ વાડીની ગૌશાળા પર હૂમલો કરવા સિંહ આવ્‍યા હતાં અને વાડીનાં ગેટ પર સિંહ આવતા વાડીનાં શ્વાને તેનો હિંમત પૂર્વક સામનો કર્યા હતો અને સિંહને વાડીમાં ઘૂસવા દિધા ન હતાં. વાડીનાં સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના સોશીયલ મીડીયા અને દેશની તમામ ટીવી ચેનલોમાં વાઈરલ થઈ હતી. મહિના બાદ ફરી આ જ ઘટનાનું પુનરાવર્તન થયું હતું. પરંતુ આ વખતે સિંહોએ ગેટની બાજુમાં આવેલી ફેન્‍સીંગથી ઘૂસવાનો પ્રયત્‍ન કર્યો હતો. જેથી વાડીનાં શ્વાનોએ તેનો પ્રતિકાર કર્યો હતો. પરંતુ આ વખતે સિંહ ફેન્‍સીંગ તોડી વાડીમાં પ્રવેશી ગયા હતાં અને શ્વાન સાથે ઝપાઝપી કરી દિધી હતી. જેના કારણે છેવટે બહાદુર અને હિંમતવાન શ્વાન ‘‘રંગા''નું કરુણ મળત્‍યુ થયું હતું.

આ ઘટનાનાં શોરબકોરનાં કારણે આજુબાજુ રહેતા લોકો વાડી પર દોડી આવ્‍યા હતાં, જેથી સિંહ વાડીમાંથી નાસી ગયા હતાં. આમ એક વફાદાર અને ઝાંબાજ શ્વાને ખૂંખાર સિંહ સાથે બાથ ભીડી પોતાનો જીવ આપીને ગાયો પર થનારા સિંહનાં હૂમલાને નિષ્‍ફળ બનાવ્‍યો છે. હિંમત,ત્‍યાગ અને વફાદારીનાં પ્રતિક એવા શ્વાનનાં મળત્‍યુનાં સમાચાર સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી જતાં લોકોમાં શ્વાન માટે દુઃખ અને પ્રશંસાની ચર્ચા થઈ રહી છે

(11:44 AM IST)