News of Monday, 23rd September 2024
પાટડીના વેપારી સાથે પાંચ લાખની ઠગાઇ કરનાર ઝડપાયો

વઢવાણ, તા. ર૩ : પાટડી ખાતે ઈલેકટ્રોનીકસની દુકાનેથી પાટણ જિલ્લાના શખ્સે વિવિધ વસ્તુઓની ખરીદી કરી હતી. જેના રૂ.૫.૭૧ લાખ ન ચૂકવી વેપારી સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. પાટડીમાં રહેતા ચંદુભાઈ બેચરભાઈ ધામેચા શહેરના ઓમ પ્લાઝા કોમ્પલેક્ષમાં ચામુંડા ઈલેકટ્રોનીકસની દુકાન ચલાવે છે. ગત ૭/૭/૨૦૨૪ના રોજ તેમની દુકાનના ઓપનીંગ બાદ પાટણના ચાણસ્મા તાલુકાના રણાસર ગામનો સરજુ પ્રહલાદજી ઠાકોરે ફોન કરી તેની મહેસાણા, પાનવા, માંડલ, મોઢેરા, શંખેશ્વર સહિતના સ્થળોએ સાઈડ ચાલુ હોઈ વિવિધ વસ્તુઓની ખરીદી કરવી છે, તેમ કહ્યુ હતુ અને સમયાંતરે દુકાનમાંથી એસી, વોશીંગ મશીન, ફ્રીઝ, સ્માર્ટ ટીવી, ઈન્વર્ટર, બેટરી, બ્લેન્ડર, સીલીંગ ફેન સહિતની વસ્તુઓની ખરીદી કરી હતી. ત્યારબાદ સરજુ ઠાકોરે આપેલા ચેક રીટર્ન થયા હતા અને તેણે ચંદુભાઈના બેંક ખાતામાં ભરેલ નાણાં પણ જમા થયા ન હતા.
આ અંગે ઉઘરાણી કરતા તે પૈસા આપી દેવાના વાયદા કરતો હતો,પરંતુ પૈસા ચૂકવતો ન હતો. આ દરમિયાન સરજુ ઠાકોર સામે વિવિધ કોર્ટમાં ચેક રીટર્નના કેસો ચાલતા હોવાની પણ માહિતી સામે આવી હતી. આથી ચંદુભાઈ ધામેચાએ પાટડી પોલીસ મથકે સરજુ ઠાકોર સામે રૂ. ૫.૭૧ લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પાટડીના વેપારી સાથે પાંચ લાખથી વધારેની ઠગાઈ કરનારા શખ્સને પાટડી પોલીસે ઝડપ્યો હતો.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
