<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

જૂનાગઢમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સહિત ૮ શખ્‍સ જુદી જુદી જગ્‍યાએથી પીધેલા પકડાયા

પોલીસની કડક કાર્યવાહીથી પ્‍યાસીઓમાં ફફડાટ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૨૫ : જૂનાગઢમાં પોલીસે સપાટો બોલાવી ભાજપના પૂર્વ કોર્પોરેટર સહિત ૮ શખ્‍સને જુદી જુદી જગ્‍યાએથી પીધેલા પકડી પાડી કાર્યવાહી કરતાં પ્‍યાસીઓમાં ફફડાટ આપી ગયો હતો.

જુનાગઢ ભાજપના પૂર્વ સ્‍ટેન્‍ડિંગ ચેરમેન અને પૂર્વ કોર્પોરેટર રાકેશ ધુલેશિયાને દારૂ પી માથાકૂટ કરતાં પોલીસે પકડી લીધા હતા.

પોલીસની ગર્વ ટીમના માણસો સોમવારની રાત્રે બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્‍યાન ઝાંઝરડા ચોકડી પાસે ખાનગી હોસ્‍પિટલની બાજુમાં જાહેર રોડ પર ટોળું ભેગું થયેલ હોય ત્‍યાં જઈ જોતા એક શખ્‍સ દારૂ પી જાહેર રોડ ઉપર માથાકૂટ કરતો અને લથડીયા ખાતો જોવામાં આવતા પોલીસે તેની પાસે જઈ નામ પૂછતા તેણે પોતાનું નામ રાકેશભાઈ રસિકભાઈ ધુલેશિયા ઉ. વ. ૫૫, ધંધો બાંધકામ રહે. જૂનાગઢ હવેલી એપાર્ટમેન્‍ટ, ઝાંઝરડા રોડ, સિલ્‍વર પાર્ક સોસાયટી, બ્‍લોક નંબર ૫૦૨ વાળા હોવાનું થોથરાતી જીભે જણાવતા પોલીસે તેની અટક કરી બી ડિવિઝન પોલીસના હવાલે કરી ધોરણસરની  કાર્યવાહી હાથ ધરી હતી.

આ સાથે બી ડિવિઝન પોલીસે જયશ્રી રોડ પરથી ઓઘડનગરના દિનેશભાઈ મેણસીભાઈ પરમારને પણ નશો કરેલી હાલતમાં ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત મહિલા પીએસઆઇ વી. એલ. લખધીરે જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં તાત્‍કાલિક સારવાર વિભાગના ગેટ પાસે કેફી પીણું પીધેલી હાલતમાં બકવાસ કરતા ભારત મિલના ઢોરા ઉપર રહેતો સમીર અમીન ચાવડા, કયુમ યુસુફ જુનેજા અને સમીર અને સમીર હનીફ નારેજાને ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.

જ્‍યારે સી ડિવિઝન પોલીસે કર્મચારીનગર સોસાયટીમાંથી ધીરુભાઈ બાવનજીભાઈ પરમાર, મધુરમ બાયપાસ ખાતેથી ઘેડ બગસરા ગામનો અજય કેશુભાઈ બગીયા અને મધુરમ અક્ષર રેસીડેન્‍સીવાળી શેરીમાંથી રાહુલ પુનાભાઈ ભૂતિયાને કેફી પીણું પીધેલી હાલતમાં આટાફેરા કરતા ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

(2:18 PM IST)