<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

બોટાદના કુંડલી નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ : ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો ટુકડો ઉભો કરી દેવાયો : ટ્રેન અથડાઇને ઉભી રહી જતાં મુસાફરોના જીવ બચ્યા

ઓખાથી ભાવનગર તરફ જતી ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું : ટ્રેન સલામત રીતે રેલવે ટ્રેક પર ઉભી રહી જતાં ટ્રેનમાં સવાર મુસાફરોના જીવ બચ્યા : બોટાદ એસપી, ડીવાયએસપી, રેલવે પોલીસ, રેલવે અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા

બોટાદ તા.૨૫ : દેશમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવવા માટેના 20થી વધુ પ્રયાસો કરવામાં આવ્યા છે. તાજેતરમા સુરતના કીમ રેલવે સ્ટેશન નજીક પણ રેલવેના ત્રણ કર્મીઓએ પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવા માટે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે વધુ એક બનાવ ગુજરાતમાં બોટાદ જિલ્લામાં બનવા પામ્યો છે. જ્યાં કુંડલી ગામ પાસે મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટના લોખંડના પાટાનો ટૂકડો ઉભો કરી દેવામાં આવતા ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું હતું. 

     આ બનાવમાં પોલીસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા સાથે તપાસ હાથ ધરી છે. ઓખાથી ભાવનગર જતી ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું.બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ઓખાથી ભાવનગર તરફ જતી એક ટ્રેન બોટાદના કુંડલી ગામ નજીક પહોંચી ત્યારે રેલવે ટ્રેક પર ઉભા કરી દેવામાં આવેલા 4 ફૂટના લોખંડના પાટાના ટૂકડો અથડાયો હતો. જેના કારણે ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું હતું. આ બનાવમાં ટ્રેન સલામત રીતે રેલવે ટ્રેક પર ઉભી રહી જતાં ટ્રેનમાં સવાર મુસાફરોના જીવ બચ્યા હતા. બનાવ અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવતા બોટાદ એસપી, ડીવાયએસપી, રેલવે પોલીસ, રેલવે અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા.

પોલીસને રેલવે ટ્રેક પરથી લોખંડના ટૂકડા મળી આવ્યા હોવાની વિગતો છે. ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા સાથે પોલીસે ડોગ-સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે બોટાદ જિલ્લા એસપી કે.એફ બરોડિયા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, કુંડલી ગામથી બે કિ.મી.ના અંતેર વહેલી સવારે રેલવે ટ્રેક પર જૂનો પાટાનો ટૂકડો ઉભો કરી દેવામાં આવ્યો હતો. જેની સાથે ટ્રેન અથડાયા બાદ ઉભી રહી ગઇ હતી. બનાવ અંગે રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા પોલીસને જાણ કરવામા આવતા આ અંગે તપાસ હાથ ધરાઈ છે.

 

(2:29 PM IST)