News of Friday, 27th September 2024
બગસરા સ્વામિ નારાયણ મંદિરમાં નવા જૂની થવાના એંધાણના પગલે કાર્ડ વિતરણ બાદ સમગ્ર કાર્યક્રમ રદ
મંદિર ટ્રસ્ટ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવતા મંદિરનો વિવાદ ચરમસીમા પર પહોંચતા પોલીસનો સહારો લેતા હરિભકતોમાં જોવા મળી નારાજગી

બગસરા તા.૨૭: બગસરા સ્વામિનારાયણ મંદિરમાં શ્રાદ્ધ પર્વમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા નોટિસ જાહેર કરી અન્ય કોઈએ સભા ન કરવા જાહેર કરતા મંદિરમાં નવા જૂની થવાના એંધાણ દેખાવા લાગ્યા જેના પગલે ટ્રસ્ટી મંડળ દ્વારા ગામમાં કાર્ડ વિતરણ થયા બાદ સમગ્ર કાર્યક્રમ રદ કરવામાં આવતા હરિભક્તોમાં નારાજગી જોવા મળી હતી.
જાહેર નોટિસ લગાડવામાં આવેલ હતી. કે મંદિરના પરિસરમાં ગુરુ લક્ષ્મીપ્રસાદ દાસજીના કાર્યક્રમમાં સર્વે હરિભક્તોએ જોડાવાનું છે. તેમના સિવાય અન્ય કોઈ સંત દ્વારા મંદિરમાં સભા કરવાની રહેશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરમાં છેલ્લા ઘણા સમયથી વિવેક સ્વરૂપદાસજી સ્વામી દ્વારા પણ કથા પારાયણ કરવામાં આવે છે. તેમના દ્વારા પણ જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતું. તેથી બંને સંતોના સેવકો મેદાનમાં એકત્ર થવાના હોય ટ્રસ્ટ દ્વારા લગાડવામાં આવેલ નોટિસને પગલે પરિસરમાં નવાજૂની થવાના એંધાણ દેખાવા લાગ્યા હતા જેના પગલે ટ્રસ્ટી મંડળ તેમજ તજજ્ઞો દ્વારા સલાહ અને સૂચનથી સમગ્ર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
જ્યારે હરિભક્તોમાં આ કાર્યક્રમના કાર્ડ પણ વિતરણ થયેલા હતા જેના પગલે હરિભક્તોમાં નારાજગી પણ જોવા મળી હતી. વધુમાં મંદિર પરિસરમાં મહિલા સ્વામિનારાયણમંદિર પણ આવેલું છે. જો તેમના દ્વારા કોઈ આયોજન થશે તો વધારે ઘર્ષણ થવાની શકયતા પણ દેખાઈ રહી છે. અગાઉ ટ્રસ્ટ દ્વારા ઘર્ષણને પગલે ૧૫ દિવસ માટે સાંજની આરતીના સમયે પોલીસ રક્ષણ પણ માંગેલું હતું અને આ સમગ્ર કાર્યક્રમમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પરંતુ આ સમગ્ર કાર્યક્રમ માં વિવાદ ચરમશીમાએ પહોંચતા આ તમામ પ્રકારના કાર્યક્રમ રદ કરવામાં આવ્યા હતા.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
