<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

સર્વત્ર ગોરંભાયેલું વાતાવરણઃ વિસાવદરમાં બે ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી વરસાદનો રાઉન્‍ડ શરૂ થતા વધુ વરસાદવાળા વિસ્‍તારોના ખેડૂતોમાં ચિંતા

રાજકોટ તા. ર૭: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી વરસાદનો રાઉન્‍ડ શરૂ થયો છે અને આજે સતત બીજા દિવસે સર્વત્ર ગોરંભાયેલ વાતાવરણ વચ્‍ચે હળવો ભારે વરસાદ વરસી જાય છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી વરસાદનો રાઉન્‍ડ શરૂ થતા વધુ વરસાદવાળા ખેડૂતોમાં ચિંતા છવાઇ છે.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના વિસાવદર વિસ્‍તારમાં આજે સવારે બે ઇંચ વરસાદ થતાં પાણી પાણી થઈ ગયું હતું જ્‍યારે ભેસાણ તાલુકામાં પોણો ઇંચ પાણી પડ્‍યાનું નોંધાયું હતું.

સોરઠમાં લાંબા સમયથી વરસાદી વિરામ વચ્‍ચે સુકાતી ધરતી અને વળક્ષો પર ગુરુવારે પિતળ પક્ષના અંતિમ ચરણમાં મેઘરાજાએ પાણી વરસાવીને તર્પણ કર્યા બાદ આજે પણ જુનાગઢ સહિત સોરઠ પ્રદેશમાં મેઘરાજાએ મુકામ રાખ્‍યો હતો.

જિલ્લાના વિસાવદર પંથકમાં આજે વહેલી સવારે ફરીથી મેઘરાજાએ જઈએ પધરામણી કરી હતી. સવારે ચાર વાગ્‍યાથી મેઘાએ વરસવાનું શરૂ કર્યું હતું અને સવારના છ વાગ્‍યા સુધીમાં એટલે કે બે કલાક દરમિયાન વિસાવદર ખાતે ૪૦ મીમી વરસાદ નોંધાયો હતો.

વિસાવદર તાલુકામાં સવારથી શરૂ થયેલી મેઘ સવારે બીજા દિવસે પણ યથાવત રહેતા સવારના પ્રારંભિક છ થી આઠના બે કલાક દરમિયાન પણ વિસાવદર ખાતે વધુ ૧૦ મીમી વરસાદ થયો હતો.

જુનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્‍તારોમાં રાતભર ધીમીધારે મેઘ મહેર થઈ હતી. પણ આજે પણ સવારે ચાર મીમી વરસાદ થયો હતો. વરસાદના કારણે ફરીથી શહેરના રસ્‍તાઓ ઉબડખાબડ થઈ જતા વાહન ચાલકો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા છે.

વિસાવદર તેમજ જૂનાગઢની સાથે સાથે આજે સવારના ભેસાણ પંથક પર પણ મેઘાએ વહાલ વરસાવ્‍યું હતું. સવારે પોણા ઇંચ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

સવારે માણાવદર તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો ન હતો જો કે વંથલીમાં બે મીમી, મેંદરડામાં ૬ મીમી, કેશોદમાં બે મીમી, માંગરોળ તાલુકામાં પાંચ મીમી અને માળિયા હાટીના વિસ્‍તારમાં સાત મીમી વરસાદ થયો હતો.

કેશોદ

( સંજય દેવાણી દ્વારા)  કેશોદ : અત્રે છેલ્લા બે દિવસથી ઉભો થયેલ મેઘાવી માહોલ વચ્‍ચે વધુ એક ઇંચ જેવો વરસાદ થવા પામે છે.

ગઈકાલે વહેલી સવારે ચાર વાગ્‍યાના અરસામાં પોણો ઇંચ જેવો વરસી વરસી વરસાદ વરસી ગયેલ.

 ગઈકાલે દિવસના અને બાદમાં રાત્રિના પણ માહોલ યથાવત રહેતા આજે સવારના ૬ વાગ્‍યા સુધીમાં વધુ એક ઇંચ જેવો વરસાદ વરસી જવા પામેલ છે.

   કેશોદ તાલુકા ના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ  વધતા ઓછા અંશે વરસાદ પડેલ હોવાનું જાણવા મળેલ છે. આજે સવારે ૯:કલાકે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્‍યારે પણ આકાશમાં વાદળો છવાયેલા હોય સૂર્ય દર્શન થવા પામેલ નથી, ખેતી જોતા વધુ વરસાદ પડવાની સંભાવના જણાઈ રહેલ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જોડિયા, ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુરમાં ઝાપટા પડયા હતા.

(11:55 AM IST)