News of Friday, 27th September 2024
ફરી એકવાર ભાજપનું સદસ્યતા અભિયાન ચર્ચામાં : જૂનાગઢ જિલ્લાના ચર ગામના ખેડૂત રાશન લેવા ગયા અને મોબાઈલ લઈ ભાજપનો સભ્ય બનાવી દીધા
ખેડૂતે પોતાની સદસ્યતા રદ કરવા માટે ભાજપ કાર્યકરને અનેક ફોન કર્યા : ભાજપ નેતા અને ખેડૂત જગમાલ ભાઈ વચ્ચે થયેલી વાતચીનો એક ઓડિયો પણ વાયરલ થયો

અમદાવાદ તા.૨૭ : ગુજરાતમાં હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. આ સભ્ય નોંધણીને લઈને અનેક વિવાદાસ્પદ કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર ભાજપનું સદસ્યતા અભિયાન ચર્ચામાં આવ્યું છે. આ વખતે સસ્તું અનાજ લેવા ગયેલા ખેડૂતનો મોબાઈલ લઈને ભાજપનો સભ્ય બનાવતા ફરી એક વખત ભાજપનું સભ્ય અભિયાન પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
રાજ્યમાં ભાજપ દ્વારા સભ્ય અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ આ વચ્ચે કેટલાક એવા વિવાદિત કિસ્સાઓના અહેવાલ પણ આવી રહ્યા છે. હજુ થોડા દિવસો પહેલા જ વિસનગર સિવિલમાં ઈન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દેવાતા હોબાળો થયો હતો. આ પછી ધરમપુરના કોંગ્રેસી અગ્રણી ભાજપના સભ્ય બન્યા હોવાનો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ થયો હતો. ત્યારે હવે જૂનાગઢ જિલ્લામાં રાશન લેવા ગયેલા ખેડૂતને અજાણ રાખીને OTP મેળવી ભાજપનો સભ્ય બનાવાનો કિસ્સો સામે આવ્યો છે.
ખેડૂત રાશન લેવા ગયા અને ભાજપના સભ્ય બનાવી દીધા
જૂનાગઢ જિલ્લાના ચર ગામના જગમાલ પીઠિયા નામના ખેડૂત રાશન લેવા ગયા હતા. તે દરમિયાન ખેડૂતનો મોબાઈલ લઈ ભાજપનો સભ્ય બનાવી દીધો હતો. ખેડૂત જગમાલ ભાઈને મેસેજ મળ્યો ત્યારે ખ્યાલ આવ્યો હતો કે તે ભાજપનો સભ્ય બની ગયો છે. આ પછી ખેડૂતે પોતાની સદસ્યતા રદ કરવા માટે ભાજપ કાર્યકરને અનેક ફોન કર્યા હતા. ભાજપ નેતા અને ખેડૂત જગમાલ ભાઈ વચ્ચે થયેલી વાતચીનો એક ઓડિયો પણ વાયરલ થયો છે.
ભાજપ નેતા અને ખેડૂતની વાતચીતનો ઓડિયો વાયરલ
આ ઓડિયોમાં ખેડૂત જગમાલ ભાઈ પોતાને અજાણી રીતે સભ્ય બનાવી હોવાની વાત ભાજપ નેતાને કહી રહ્યા છે. ખેડૂતને જ્યારે આ સમગ્ર મામલે પૂછવામાં આવ્યું ત્યારે ખેડૂત જગમાલભાઈએ જણાવ્યા હતું કે 'મે આ મામલે ભાજપ કાર્યકર્તાને 30થી 40 ફોન કર્યા હતા અને તેમણે મારો ફોન ઉપાડ્યો ન હતો. મને અજાણતા જ ભાજપનો સભ્ય બનાવી દીધો હતો. હું નથી ભાજપનો કે કોંગ્રેસનો હું એક ખેડૂતનો દીકરો છું. આ રીતે ખેડૂતને અજાણ્યા ભાજપના સભ્ય બનાવી દેવામાં આવે તે ખોટું કહેવાય.'
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
