<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

વિશ્વ પ્રવાસન દિન નિમિતે દ્વારકાના પંચકુઇ બીચ પાસે ‘વર્લ્‍ડ સન્‍કન સીટી ડે'ની વેબસાઇટ લોન્‍ચ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૩૦: યાત્રાધામ દ્વારકા ખાતે વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે ITS 6TH WOW નામની દક્ષિણ ભારતીય NGO દ્વારા પ્રાચીન દ્વારકા જયાં સમુદ્રમાં ગરક થયેલી છે તે નજીકના પંચકુઈ બીચ ખાતે ‘વર્લ્‍ડ સન્‍કન સીટી ડે'ની વેબસાઈટ લોન્‍ચ કરવામાં આવી છે. સંસ્‍થાના જનરલ સેક્રેટરી રવિન્‍દ્રજી તથા દ્વારકાના જાણીતા સ્‍કૂબા ડાઈવર કિરીટભાઈ વેગડ દ્વારા પંચકુઈ બીચ પર વેબસાઈટ લોન્‍ચ કરી આવનારા મેગા ઈવેન્‍ટના શ્રીગણેશ કર્યા હતા. ફેબ્રુઆરી માસમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પણ સમુદ્રની અંદર આજ જગ્‍યા પસ્‍થી સ્‍કૂબા ડાઈવીંગ કરી સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો નિહાળ્‍યા હતા.

મિટિંગમાં ઉપસ્‍થિત મહેમાનોને વિશ્વભરમાં ડૂબી ગયેલી ૧૫ નગરીઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. જે અનુસાર વિશ્વભરમાં ડૂબી ગયેલી ૧૫ નગરીઓમાં ગુજરાતના દ્વારકા ઉપરાંત (૧) જમૈકાનું પોર્ટ રોયલ, (૨) ગૌતેમાલાનું સામાબાજ, (૩) બોલિવિયાનું વાનાકુ, (૪) યુનાઈટેડ કિંગડમનું ડનવીચ, (૫) ઈટાલીનું બાલાઈ, (૬) ટયુનિશિયાનું નેપોલીસ, (૭) ગ્રીસનું હેલીક તથા (૮) પાવલોપેટ્રી, (૯) હેરાકલોઈન અને એલેકઝાન્‍ડ્રાનું કનોપસ થોનીસ, (૧૦) યમનું એટલીટ, (૧૧) રશિયાનું ફાનાગોઈયા, (૧૨) ભારતનું મહાબલીપુરમ, (૧૩) ચાઈનાનું કયુનાડેવ લેક તથા (૧૪) જાપાનના યોનાગુની સમાવિષ્ટ છે. આ તમામ ૧૫ શહેરોમાં સૌથી પ્રાચીન દ્વારકાને માનવામાં આવે છે.

દ્વારકા સૌથી પ્રાચીન અને મહત્ત્વની નગરી

આ સાથે સંસ્‍થાના રવિન્‍દ્રજીએ જણાવ્‍યું હતું કે દુનિયાભરમાં અત્‍યાર સુધીમાં કુલ ૧૫ જેટલી નગરીઓ જે તે કારણોસર સમુદ્રમાં ગરકાવ થઇ થઈ છે. આ તમામ ૧૫ સિટીઓમાં યાત્રાધામ દ્વારકા સૌથી વધુ પ્રાચીન હોય જયાં સિંધુ ખીણની સંસ્‍કૃતિ, મેસોપોટેમીયા સંસ્‍કૃતિ, ઈજિપ્ત સંસ્‍કૃતિ, ચીનની સંસ્‍કૃતિ, મિનોઆન સંસ્‍કૃતિ, ઓલ્‍મેક સંસ્‍કૃતિ અને નોર્ટેચિકો સંસ્‍કૃતિ દરમ્‍યાન અસ્‍તિત્‍વમાં આવી હોય ભગવાન શ્રીકૃષ્‍ણએ જયાં શાસન કર્યુ હોવાનું હિન્‍દુ પૌરાણિક ગ્રંથોમાં પૂરાવો હોય પૌરાણિક દ્વારકાને પ્રાચીન વિશ્વની રાજધાની સમાન ગણાવતાં આ સંસ્‍કૃતિના સંસ્‍મરણો દિર્ઘકાલીન નોંધ લેવાય તે હેતુ જય દ્વારકા મિશન ચલાવવામાં આવનાર છે. આ સંસ્‍થા દ્વારા હૈદરાબાદ ખાતે ર૪મી જૂને જય દ્વારકા અભિયાનનું ઉદ્‍ઘાટન કરવામાં આવેલ અને ત્‍યારબાદ ડૂબેલી દ્વારકાના બંધારણને સાચવવા તેમજ મહાભારતકાળના છુપાયેલા પુરાતત્‍વીય પૂરાવાઓને ઉજાગર કરવા જરૂરી સરકારી મંજૂરીઓ મેળવાયા બાદ આ વિશ્વધરોહરના પ્રાચીન કલાકૃતિઓના રહસ્‍યોને બહાર લાવવા તેમજ જાળવણી હેતુ પ્રયાસો હાથ ધરવાની નેમ હોવાનું રવિન્‍દ્રજીથે જણાવ્‍યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે યુનેસ્‍કોની વર્લ્‍ડ હેરીટેજ સાઈટ્‍સની યાદીમાં પ્રાચીન દ્વારકાનો ઉલ્લેખ કરાયો છે ત્‍યારે ITS 6TH WOW સંસ્‍થા દ્વારા ભારત સરકારના સાંસ્‍કૃતિક મંત્રાલયને એક પ્રતિનિધિત્‍વ રજૂ કર્યુ હતું જેમાં પ્રાચીન દ્વારકાનું નામ ભારતના રાષ્ટ્રીય હેરીટેજ સાઈટ્‍સમાં સામેલ કરવા અને નામના શિલાલેખ માટે અરજી કરવા માટે જરૂરી પગલા લેવા રજૂઆત કરવામાં આવી હતી. (તસ્‍વીર-દિપેશ સામાણી-દ્વારકા)

(9:41 AM IST)