<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

આટકોટની ચર્ચાસ્‍પદ પાટીદાર કન્‍યા છાત્રાલયને વિવાદોથી બચાવવા બચાવ સમિતિ બનાવાઈ

જસદણ,વિછીંયા અને બાબરા તાલુકાના આગેવાનો હાજર રહ્યાઃ પાટીદાર સમાજ રહેતો હોય તેવા ગામોમાં ૧૦ આગેવાનોની સમિતિ બનાવાશેઃવિવાદીત ટ્રસ્‍ટીઓના રાજીનામાં લેવાશેઃસામાન્‍ય પરિવારની દિકરીને ફી માં રાહત અપાશે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૪

થોડા વખત પહેલા પૂર્વ ચેરમેન  રૂડાભાઈ ભગત અને વર્તમાન ચેરમેન અરજણભાઈ રામાણી વચ્‍ચે સત્તાની અને એક-બીજા વચ્‍ચે થયેલ આક્ષેપો બાદ છાત્રાલય ખાતે થયેલા ઝઘડા અને તાજેતરમાં છાત્રાલયની વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મના મામલામાં ચર્ચાએ ચડેલ આટકોટની ડી.બી.પટેલ કન્‍યા છાત્રાલયને વધુ વિવાદથી બચાવવા સમસ્‍ત પાટીદાર કન્‍યા છાત્રાલય બચાવ સમિતિ દ્વારા એક બેઠક તાજેતરમાં બોલાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં પાટીદાર આગેવાનોએ ઉપસ્‍થિત રહી આ છાત્રાલયને વિવાદથી બચાવવા આગળની રણનીતિ ઘડી હતી.

જસદણ આટકોટ રોડ ઉપર આવેલ એસ.પી.એસ.સંકુલ ખાતે મળેલ કન્‍યા છાત્રાલય બચાવ સમિતિ આટકોટ દ્વારા સમાજના આગેવાનો અને યુવાનોની હાજરીમાં ચિંતન શિબિર બોલાવવામાં આવી હતી આ ચિંતન શિબિરમાં જસદણ,વિછીયા અને બાબરા તાલુકાના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા આ ચિંતન શિબિરમાં મહત્‍વના એજન્‍ડા સાથે વાત કરવામાં આવી હતી અને સાથોસાથ હાલ કન્‍યા છાત્રાલયમાં સંચાલન બાબતે જે પ્રશ્‍નો છે તેની ચર્ચા કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં તાલુકાના પાટીદાર વસ્‍તી ધરાવતા દરેક ગામથી ૧૧ થી ૧૫ સભ્‍યોની સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવેલ તેમજ હાલના ટ્રસ્‍ટીઓની રૂબરૂ મુલાકાત લઈ જે વિવાદિત ટ્રસ્‍ટીઓ છે તેમના રાજીનામાઓ લેવાની માંગણી કરી તેમને ટ્રસ્‍ટમાંથી છુટા કરવાની રજૂઆત કરવાનું પણ નક્કી થયું હતું.

પાટીદાર સમાજના શ્રેષ્ટીઓના દાનથી બનાવવામાં આવેલ આ સંસ્‍થામાં દરેક ગામની સામાન્‍ય ઘરની દીકરીને પોસાય તેવી નજીવી ફી લઈ શિક્ષણ મળી રહે તે માટે સમાજ શ્રેષ્ટીઓએ આગળ આવી સામાન્‍ય પરિવારની દીકરીઓને ઉચ્‍ચ શિક્ષણ મળે તેવા પણ બચાવ સમિતિ પ્રયાસો કરશે જોકે તાજેતરમાં જ છાત્રાલયનું સુકાન સંભાળનાર આટકોટ ની કે.ડી.પી. હોસ્‍પિટલના મુખ્‍ય દાતા હરેશભાઈ પરવાડીયા એ અગાઉ જાહેરાત કરી હતી કે સામાન્‍ય પરિવારની પાટીદાર સમાજની દીકરી ફી વગર અભ્‍યાસથી વંચિત નહીં રહે.

આ બાબતે બચાવ સમિતિ મેનેજિંગ ટ્રસ્‍ટી હરેશભાઈ પરવાડિયાને પણ રૂબરૂ મળી આ અંગે સમિતિનો નિર્ણય જણાવશે.

એસ.પી.એસ સંકુલના કમલેશભાઈ હિરપરા દ્વારા આ મિટિંગનું સંચાલન કરવામાં આવ્‍યું હતું સમગ્ર એજન્‍ડાનું વાંચન વલ્લભભાઈ ખાખરીયા દ્વારા કરાયું હતું તેમજ ગજેન્‍દ્રભાઈ રામાણી દ્વારા છાત્રાલયની સ્‍થાપનાથી આજ સુધીનો ટૂંકસાર રજૂ કરવામાં આવ્‍યો હતો.

આ મિટિંગમાં ટી.ડી.પટેલ,ગિરધરભાઈ વેકરીયા,ચંદુભાઈ કચ્‍છી,મહેશભાઈ ભાયાણી,પ્રેમજીભાઈ સરપંચ,ધીરુભાઈ રામાણી,જે.ડી.ઢોલરીયા,વલ્લભભાઈ લાડોલા,જે.પી.વીરજા,વિનુભાઈ ધડુક,ભુપતભાઈ કેરાળીયા,બાબુભાઈ છાયાણી,કાળુભાઈ કાપડિયા સહિત મોટી સંખ્‍યામાં પાટીદાર આગેવાનોએ હાજરી આપી હતી.

 આ ચિંતન શિબિરને સફળ બનાવવા મનસુખભાઈ હિરપરા,ઘનશ્‍યામભાઈ સતાણી,મનસુખભાઈ ડામસિયા,સુનિલ ખોખરીયા,ડો ચિરાગ કાકડીયા,એલ.બી.દેસાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

 બચાવ સમિતિ દ્વારા ૭૦૪૩૬૫૮૪૮૦ મો.નંબર પણ જાહેર કરવામાં આવ્‍યો છે જે નંબર ઉપર તમારું નામ અને ગામનું નામ લખી મેસેજ કરવામાં આવશે તેમને આ ગ્રુપમાં સામેલ કરવામાં આવશે જે નંબર ઉપર સૂચનો પણ મોકલી શકાશે જોકે આયોજકોએ જણાવ્‍યું છે કે આ નંબર ઉપર માત્ર  એસ.એમ.એસ.થઈ શકશે કોલ નહીં થઈ શકે તો દરેકે આ ગ્રુપમાં જોડાઈ અને છાત્રાલય બચાવ સમિતિને સહકાર આપવા બચાવ સમિતિએ યાદીમાં જણાવ્‍યું છે.(

(11:37 AM IST)