News of Friday, 4th October 2024
કુમકુમ પગલે માડી પધાર્યા રે!! મોરબીમાં આસ્થાભેર નવરાત્રીનો શુભારંભ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૪: નવલા નોરતાનો પ્રારંભ થઇ ચૂકયો છે. શહેરનાં તમામ ચાંચર ચોકમાં પ્રાચીન ગરબાની રમજટ બોલી રહી છે તો પાર્ટી પ્લોટમાં આયોજીત અર્વાચીન દાંડિયાના ખેલૈયાઓ મન મુકી ઝુમી ઉઠ્યા છે.નવરાત્રીમાં માઁ શક્તિની આરાધના અને માં નવદુર્ગાના ગુણગાન ગવાઈ રહ્યા છે અર્વાચીન દાંડિયાના આકર્ષણ વચ્ચે પણ આજે મોરબીમાં પ્રાચીન ગરબીઓ અડીખમ ઉભી છે. મોરબીના દરેક શેરી મહોલ્લામાં મા આદ્યશક્તિની ભક્તિ કરવાનો અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે. નવરાત્રી પૂર્વે જ ગરબી મંડળના ચોક શણગાર સજી સજ્જ થયા છે અને શક્તિ સ્વરૂપ બાળાઓ પણ પોતાના રાસગરબાની પ્રેક્ટિસ કરી નવ દિવસ માઁ આરાસુરીની આરાધના કરવા રાહ જોતી હતી.
મોરબી શહેરમાં ગેસ્ટ હાઉસ રોડ ઉપર મંગલ ભુવન ગરબી, શક્તિ ચોક ગરબી, મોચી ચોક, કંસારા શેરી, હીરા ભુવન, હનુમાનદેરી શેરી, દરબારગઢ ચોકમાં શ્રીખોડિયાર ચોક ગરબી, નાની રાવલ શેરી, માધાપર, વજેપર, વાઘપરા, કાલિકા પ્લોટ, સનાળા રોડ, રવાપર રોડ, જુના બસસ્ટેન્ડ, પરસોતમ ચોક, સામાકાંઠે લાલબાગ, રોટરી, રીલીફનગર, વર્ધમાન સોસાયટી, રામકળષ્ણ નગર, વિદ્યુતનગર, સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી વરિયા પ્રજાપતિ ગરબી, ચામુંડા ગરબી મંડળ, , ગાંધી જવાહર ગરબી, બૌદ્ધનગર સહિતના વિસ્તારમાં પ્રાચીન ગરબીના સુંદર આયોજન થયા છે. તેમજ માં ગરબી મંડળ, પાટીદાર નવરાત્રી મહોત્સવ, ઉમિયા નવરાત્રી મહોત્સવ, શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આજે સાંજ ઢળશે અને સૂરજ ઉગશે તેવો માહોલ છવાયો છે.
મોરબીમાં બે આયોજકોએ ફાયર એનઓસી મેળવ્યા
મોરબીમાં અત્યાર સુધીમાં શહેરમાં ૪૭ ગરબીને મંજૂરી અપાઈ છે જેમાં એ ડિવિઝનમાં ૩૬ ગરીબીને જેમાં શક્તિ ચોક અને મંગલભુવન અને શક્તિધામ એમ ત્રણ મોટી પ્રાચીન અને પાટીદાર નવરાત્રી, ઉમિયા નવરાત્રી સહીત બે અર્વાચીન ગરબીને મંજૂરી આપવામાં આવી છે. મોરબીના બન્ને મોટા અર્વાચિન ગરબાના આયોજકોએ ફાયર સેફિ્ટનું એનઓસી લીધું હોવાનું ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું.
અર્વાચીન અને પ્રાચીન ગરબીઓમાં પોલીસ તૈનાત રહેશે
એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અર્વાચીન અને પ્રાચીન ગરબીઓમાં ૧૦ પીઆઇ, ૨૪ પીએસઆઇ સહીત ૭૦૦ પોલીસ જવાનો ખડેપગે રહેશે તેમજ પેટ્રોલિંગ કરશે, આ અંગે સબંધિત પોલીસ સ્ટેશનોમાં આયોજકો સાથે મીટીંગ કરીને જાહેર રોડ ઉપર યોજાતી ગરબીને કારણે ટ્રાફિક ન થાય તેની ખાસ વ્યવસ્થા કરાઈ છે. મહિલાઓની સુરક્ષા માટે જિલ્લામાં ૯ જેટલી સી ટીમ ખડેપગે રહેશે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ મોટી ગરબીઓમાં ખાનગી ડ્રેસમાં ફરજ બજાવનાર હોવાનું જણાવ્યું હતું.
એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમો તૈનાત રહેશે- કલેકટર
જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, હાર્ટ એટેકના બનાવોને ધ્યાને લઇ મોરબીમાં રવાપર પાસે અને શહેરમાં એમ સ્થળે બે ૧૦૮ ખડેપગે રહેશે અને આ અંગે આરોગ્ય વિભાગ સાથે બેઠક પણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. અને ગરબીમાં કોઈ ખેલૈયાને સીવીયર એટેક આવે તો એના માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ડોકટરો સાથેની ટીમને તૈયાર રહેવા સૂચના આપી છે.
સૌથી મોટી પ્રાચીન ગરબીમાં અંગારા સહિતના ૪૩ રાસો રમાશે
શહેરની વચ્ચોવચ ગેસ્ટહાઉસ રોડ પર શક્તિ ચોકમાં યોજાતી સૌથી મોટી અને પ્રાચીન શક્તિ ગરબી લોકોમાં દર વર્ષે આકર્ષનું કેન્દ્ર બને છે, ગરબીના આયોજક ક્રિપાલસિંહે જણાવ્યું હતું કે, સતત ૪૧ વર્ષથી યોજાતી ગરબીમાં દર વર્ષે નવા નવા રાસો રાખવામાં આવે છે. જેમાં આ વર્ષે અંગારા રાસ, શ્યામ રાસ, અઘોરનગારા રાસ, સહિતના ૪૩ જેટલા રાસો ૯૦ બાળાઓ દ્વારા રમાશે. અને હાર્ટ એટેકના બનાવોને લઈને એક ડોક્ટરની ટીમ ખડેપગે રાખવામાં આવશે. અને અમે બાળાઓને સુગર ન ઘટે તે માટે એક રાસ પૂરો થયા બાદ લીંબુ અને આદુનું પાણી આપીએ છીએ, જેથી એનર્જી જળવાઈ રહે છે.
અર્વાચીન રાસોત્સવમાં એક થી વધારે એકઝીટ રખાયા
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ગરબા માટે પણ એસઓપી અમલી બની છે ત્યારે મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું કે ગરબા સ્થળે બે એકઝીટ ગેટ રાખ્યા છે. તેમજ એક એમ્બ્યુલન્સ સાથે ડોક્ટરની ટીમ ખડેપગે રાખી છે. જયારે ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજક અનિલ વરમોરાએ જણાવ્યું હતું કે અહીં પાંચ એકઝીટ ગેટ રખાયા છે તેમજ કોઈ ખેલૈયાઓને મેડિકલ ઇમરજન્સી જરૂર પડે તો એમ્બ્યુલન્સ સાથેની ડોક્ટરની ટીમ પણ રાખવામાં આવી છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
