News of Saturday, 5th October 2024
અલંગમાં વિશ્વનું સૌથી મોટુ ૨૬૧૩૬ મેટ્રીક ટન વજનનું જહાજ ભંગાવવા માટે આવ્યુ
રશિયાથી આવેલ જહાજને અલંગના ઉદ્યોગપતિએ ખરીદ્યુ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૫: ભાવનગરનું અલંગ શિપ બ્રેકિંગ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે, અહીં વિશાળ જહાજ તોડવામાં આવે છે અને વેપારીઓ તેમાંથી અલગ-અલગ વસ્તુઓ બનાવીને વેચતા હોય છે, અલંગમાં વિશ્વનું સૌથી મોટું ફિશ ફેક્ટરી શિપ ભંગાવવા માટે આવી પહોંચ્યું હતું. આ જહાજ વર્ષ ૧૯૮૦માં બનાવવામાં આવ્યું હતું.
મોટર વેસલ દિવો જહાજ સમગ્ર વિશ્વનું સૌથી મોટુ ફિશ ફેક્ટરી શિપ છે. રશિયાના દિવો જહાજનું વજન ૨૬,૧૩૬ મેટ્રિક ટન છે, જયારે અલંગના પ્લોટ નંબર ૧૬૯ના માલિકે આ જહાજને ખરીદ્યું હોવાનું જાણવા મળી છે. રશિયાથી આ જહાજ તેની અંતિમ સફર પૂરી કરી અલંગ ખાતે ભંગાવવા આવી પહોંચ્યું હતું.
વર્ષ ૨૦૨૪ના શરૂઆતના ૯ મહિના દરમિયાન કુલ ૭૩ જહાજ અલંગ પહોંચ્યાં છે, અને તેનું કુલ વજન ૫૩૭૭૫૯.૪૯ મે.ટન છે. સપ્ટેમ્બર માસ દરમિયાન અલંગમાં ફક્ત ૬ જહાજ બીચ થયા છે, અને તેનું કુલ વજન ૩૮,૩૮૮ મે.ટન છે.
સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન અલંગ ખાતે કુલ ૧૨ શિપ બીચ થયા હતા અને તેનું કુલ વજન ૬૫૪૮૯.૭૮ મેટ્રિક ટન હતું.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
