<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

પોરબંદર શ્રીહરિ મંદિરમાં પૂ. રમેશભાઇ ઓઝાના સાનિધ્‍યમાં નવરાત્રી અનુષ્‍ઠાનનો પ્રારંભ

સાંદિપનિ વિદ્યા નિકેતનમાં ‘પૂ.ભાઇશ્રી'ની ઉપસ્‍થિતિમાં ધ્‍વજારોહણ, મા કરૂણામયીના ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રી રામ ચરિત માનસ પાઠ અનુષ્‍ઠાન, શ્રીમદ્‌ ભાગવત કથા, મેડિકલ કેમ્‍પ રાસ-ગરબા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૫ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્‍ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્‍યમાં શ્રીહરિ મંદિરમાં ધ્‍વજારોહણ, મા કરૂણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાન, શ્રીમદ્‌ ભાગવત કથા, મેડીકલ કેમ્‍પ અને રાસ ગરબા સાથે ૪૩મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાનનો મંગલ આરંભ થયો છે.

શ્રી હરિ મંદિરમાં સવારે મંગલા આરતી બાદ વિધિવત પૂજન સાથે મંદિરના સર્વે શિખરો પર વિધિવત નૂતન ધ્‍વજારોહણ વિધિ કરવામાં આવી અને સાથે નવરાત્રિના પ્રથમ દિવસે મા કરૂણામયીનું યજમાન દ્વારા વિધિવત ષોડશોપચાર પૂજન પણ કરવામાં આવ્‍યું. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવમાં આજે સવારે શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાન પૂર્વે પૂજ્‍ય ભાઇશ્રીની પાવન ઉપસ્‍થિતિમાં શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના મુખ્‍ય મનોરથી ભગવદીયા શ્રી બજરંગલાલ તાપડિયા અને પરિવાર મુંબઈ દ્વારા શ્રીરામચરિત માનસ અને ભાગવત મહાપુરાણ બંને પોથીશ્રીઓનું પૂજન કરીને પોથીયાત્રા સંપન્ન કરાઈ હતી.

શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનના પ્રારંભ પૂર્વે પૂજ્‍ય ભાઈશ્રી અને યજમાન પરિવાર દ્વારા મા શૈલપુત્રી સ્‍વરૂપી કુમારિકાનું પૂજન કરવામાં આવ્‍યું. અનુષ્ઠાનના આરંભ થાય એ પહેલા ઋષિકુમારો દ્વારા શાન્‍તિસૂક્‍તનો સસ્‍વર વેદપાઠ કરવામાં આવ્‍યો.

૪૩માં શારદીય નવરાત્રિ અંતર્ગત શ્રીરામચરિત માનસ પાઠના પ્રારંભ પૂર્વે પૂજ્‍ય ભાઈશ્રીએ ઉદ્‌બોધન કરતા જણાવ્‍યું હતું કે ભગવાન શ્રીહરિ, કરુણામયી માં ભગવાન ચન્‍દ્રમૌલીશ્વર, શ્રીહરિ મંદિરમાં બિરાજિત સર્વે દેવતાઓને પ્રણામપૂર્વક તેઓની કળપાથી ચાલતી આ શારદીય નવરાત્ર અનુષ્ઠાન યાત્રાનો આનંદ પણ છે અને આヘર્ય પણ છે કે આજે આ અનુષ્ઠાનયાત્રા ૪૩માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે આ સાતત્‍ય માત્રને માત્ર માં ભગવતીના અનુગ્રહનો જ પ્રસાદ છે.

આ વર્ષે, જ્‍યાં સુધી મને યાદ છે, કદાચ ત્રીજી વખત આપણા ભગવદીય જેમને આપણે પ્રેમથી દાદાજી, કહીએ છીએ, એવા સાંદીપનિના સમર્પિત સેવક શ્રી બજરંગલાલજી તાપડિયા અને તેમનો પરિવાર, તેમના સકારણ અતિઆગ્રહને કારણે આ મનોરથીનો અવસર એમને ત્રીજી વખત પ્રાપ્ત થાય છે. સકારણ એટલા માટે કહું છું કારણ કે દાદાજી તેમની જીવનયાત્રાના ૯૦ વર્ષ પૂરા કરી રહ્યા છે. અને તેઓના મનમાં રહે છે કે હવે હું જ્‍યાં સુધી છું ત્‍યાં સુધી મને વધુ સેવાનો અવસર આપો અને અમે કહીએ છીએ કે તમે શતાયુ બનીને શ્રી હરિની સેવા કરતા રહો. આ રીતે તેઓની શ્રધ્‍ધાથી એમના ભાવથી અને પ્રેમાગ્રહના કરને આ સતત ત્રીજી વાર અવસર પ્રાપ્ત થયો છે.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત બપોર પછીના સત્રમાં યજમાન પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવતપોથીજીનું પૂજન તથા કથાવ્‍યાસ અયોધ્‍યાના અશર્ફીભવનથી પધારેલા જગદગુરૂ રામાનુજાચાર્ય સ્‍વામીશ્રી શ્રીધરાચાર્યજી મહારાજનું પૂજન કરવામાં આવ્‍યું. જગદગુરૂ પૂજ્‍ય રામાનુજાચાર્ય સ્‍વામીશ્રી શ્રીધરાચાર્યજી મહારાજ દ્વારા શ્રીમદ્‌ ભાગવતકથાનો પ્રારંભ કરવામાં આવ્‍યો.

શ્રીહરિ મંદિરમાં શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે માં કરૂણામયીના દિવ્‍ય ઝાંકી દર્શન યોજાયા હતા અને સાયં આરતી બાદ પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા ગરબાનું પંચોપચાર પૂજન કરીને ગરબો પ્રગટાવામાં આવ્‍યો હતો અને પ્રાચીન ગરબાના ગાન સાથે દિવ્‍ય રાસ-ગરબા યોજાયા હતા.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત આજે સાંદીપનિની વૈદિક રિચ્‍યુઅલ ટીમ દ્વરા મા ભગવતીની આરાધના સ્‍વરૂપે માં મહિષાસુરમર્દિનીના મંડપ સ્‍થાપના  તેમજ પૂજન-અર્ચનવિધિ સંપન્ન કરવામાં આવી. આ સાથે વૈદિક રિચ્‍યુઅલ ટીમ દ્વારા શારદીય નવરાત્રના ઉપલક્ષ્યમાં માં ભગવતીના વિવિધ મનોરથનો પણ આરંભ થયો હતો. આ મનોરથમાં જોડવા માટે સંપર્ક નંબર ૭૦૧૬૦ ૩૫૫૫૪ છે.

આજે શારદીય નવરાત્રિના પ્રારંભે પ્રથમ દિવસે માનવસેવા રૂપે આયોજિત નવ દિવસીય દંતયજ્ઞ કેમ્‍પનો પૂજ્‍ય ભાઈશ્રી, મનોરથી પરિવાર અને ડોકટરની ટીમ દ્વારા દીપ પ્રાગટય સાથે પ્રારંભ કરવામાં આવ્‍યો. આ દંત ચિકિત્‍સા દંતવૈદ્ય લાભુભાઈ શુક્‍લ મેમોરીયલ કલીનીક, ગવરીદળ, રાજકોટના જાલંધરબંધ યોગ પદ્ધતિના સુવિખ્‍યાત દંતવૈદ્ય ડો.હર્ષદભાઈ જોશી, ડો. સરોજબેન જોશી અને ટીમ દ્વરા કરવામાં આવશે. આ દંતયજ્ઞ તા.૧૧-૧૦-૨૪ સુધી પ્રતિદિન સવારે ૯.૩૦થી ૧.૦૦ સુધી ચાલુ રહેશે.

દેશ-વિદેશથી અનેક ભાવિકો અને પોરબંદર અને આસપાસના ગામમાંથી  અનેક ભાવિક જનોએ અનુષ્ઠાન અને મનોરથ-દર્શન, કથા શ્રવણ માટે જોડાયા હતા.  સાથે-સાથે અનેક લોકો sandipani.tvની યુટયુબ ચેનલના માધ્‍યમથી પણ જોડાયા હતા.

(11:40 AM IST)