<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૭૬૮ મતદારો ઉમેરાયા: ૨૭ બુથમાં સ્થળ ફેરફાર તથા ૦૩ બૂથમાં નામ ફેરફાર માટે ચૂંટણી પંચની મંજૂરી મંગાઈ

આગામી તા. ૧૭ નવેમ્બર તથા તા.૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ મતદારયાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત સુધારણા મતદારયાદી અંતર્ગત જાહેર થયેલા આંકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ ૩૭૬૮ મતદારોનો ઉમેરો થયો છે. આ સાથે ૨૭ પોલિંગ સ્ટેશન બદલાયા તેમજ ૦૩ ના નામ બદલ્યા છે. જેની ચૂંટણી પંચની મંજુરી માગવાની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે.
    સતત સુધારણા દરમિયાન મતદાર યાદીમાં નવા ઉમેરાયેલા નામ સાથે ૩૩૧૭ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. આમ જિલ્લામાં કોઈપણ નવા બુથનો ઉમેરો થયેલ નથી. હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૧ - ખંભાળિયા વિધાનસભામાં ૩૨૭ અને ૮૨ - દ્વારકા વિધાનસભામાં ૩૦૭ આમ કુલ ૬૩૪ મતદાન મથકો આવેલ છે.
   ઘણા ખરા એવા બુથ છે જેના નામમાં ફેરફાર કરવાની જરૂરત છે. આવા ૦૩ બુથમાં ફેરફાર કરાયા છે. આ ઉપરાંત જ્યાં પોલિંગ સ્ટેશનો છે તે પૈકીના ૨૭ પોલિંગ સ્ટેશનો અન્ય સ્થળો બદલવા એટલે કે, લોકેશન ચેન્જ કરવા માટેની પણ દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારી કરાઈ છે. ઉમેરા અને ફેરબદલ માટે રાજ્યના ચૂંટણી પંચની મંજુરી મેળવવામાં આવશે.
    હવે આગામી દિવસોમાં મતદારયાદીમાં નામ નોંધાવવા, નામ સરનામા અટક વગેરે બાબતોમાં ફેરફાર કરવા સહિતની આ કામગીરી દરમિયાન નાગરિકોને પોતાના ઘરની નજીક જ આ કામ થઈ શકે તે માટે તા.૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર) અને તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર)ના રોજ ખાસ ઝુંબેશ રાખવામાં આવશે અને ત્યારે જે તે નાગરિકના ઘરની નજીક આવેલા મતદાન મથકે સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી બી.એલ.ઓ દ્વારા મતદારયાદીમાં નવા નામ દાખલ કરવા, કમી કરવા, સુધારા વધારા વગેરેની પ્રક્રિયા કરી શકાશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(7:46 PM IST)