<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

કચ્છમાં ભાજપના નેતાઓની ધડબડાટી: દારૂબંધી હોય કે વીજ તંત્રની પ્રિમોન્સુન કામગીરી હોય માત્ર કાગળ ઉપર કામ?

સંકલન સમિતિની બેઠકમાં અણિયાળા સવાલો, ચૂંટાયેલા નેતાઓએ આખરે મૌન તોડ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ :  એકબાજુ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી ચોમાસા બાદની કામગીરીની વાત હોય કે કાયદો વ્યવસ્થાની વાત હોય ભલે સરકારની અસરકારક કામગીરીના દાવા કરતા હોય પણ બીજી બાજુ આ કામગીરી સામે જીલ્લા સંકલન બેઠકમાં ભાજપના નેતાઓની રજુઆતોએ સવાલો સર્જ્યા છે.

      શનિવારે મળેલી જીલ્લા સંકલન સમિતિમાં ભાજપના ધારાસભ્યો અને જીલ્લા, તાલુકાના પ્રજાકીય પ્રતિનિધિઓએ ઉઠાવેલા સવાલોએ ચર્ચા સર્જી છે. કચ્છમાં માંગો ત્યાં દારૂ મળે છે. એવા આક્ષેપ સાથે પ્રજાની ફરિયાદોનો ભાજપના સભ્યોએ પડઘો પાડ્યો હતો. હજી હમણાં જ ગાંધી જયંતિ ગઈ છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોવાની સત્તા પક્ષના પ્રજાકીય પ્રતિનિધિઓની રજૂઆતે ખળભળાટ સર્જતા સવાલો કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વાસ્તવિકતા ઉજાગર કરી દીધી છે. બીજું નિશાન પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરી સદંતર નિષ્ફળ ગઈ એની સામે હતું. કચ્છમાં વીજ સમારકામના નામે અ..ધ..ધ રૂપિયા ખર્ચાયા બાદ પણ અંધારા ઉલેચાઈ જવાન બદલે અંધારપટ અને આડેધડ વીજ કાપની સમસ્યા છે. દબાણ વાળાઓને અદ્ધર વીજ કનેક્શન આપવાના મુદ્દે પણ તડાપીટ બોલાવાઈ હતી. બેઠકમાં જીલ્લા ક્લેક્ટર, ડીએસપી સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:26 AM IST)