<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

સોરાષ્‍ટ્ર- કચ્‍છમાં જોરદાર ઝાકળ વર્ષાઃ શિયાળો જામવાના એંધાણ

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અહેસાસઃ સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણઃ કેશોદમાં રાત્રે અડધો ઇંચ વરસાદ પડયો

રાજકોટ તા.૭: રાજકોટ સહિત સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર હવામાન સાથે આજે વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષા થઇ હતી. અને શિયાળો જામવાના એંધાણ વર્તાઇ રહી છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અહેસાસ થાય છે. અને સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. બપોરના સમયે બફારાનો અનુભવ થાય છે.

કેશોદ

(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ અત્રે નવરાત્રી માણવા મેઘરાજા ગત રાત્રિના પધારતા અડધા ઇંચ જેવો વરસાદ વરસેલ હતો. છેલ્લા એક સપ્તાહના વિરામ બાદ ગઈકાલે ત્રીજા નોરતાની રાત્રીના સાડા સાતથી આઠ વાગ્‍યાના અરસામાં ઓચિંતો વરસાદી માહોલ ઊભો થતા લગભગ અડધા ઇંચ જેવો વરસાદ પડી જતા માર્ગો પર પાણી..જ પાણી..જોવા મળેલ.

વરસાદના કારણે રસ્‍તાઓ પર પાણી ભરાઈ જતા આ સ્‍થિતિ વચ્‍ચે પણ લોકો રાત્રિના ઉત્‍સાહભેર નવરાત્રી માણવા નીકળી ગયા હતા. દરમિયાન આજે સવારે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્‍યારે પણ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળેલ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૫, મહતમ તાપમાન ૩૩.૫, ભેજનું પ્રમાણ ૭૯%, પવનની ગતી ૩.૩ કિ.મી. રહી હતી.

(11:01 AM IST)