News of Monday, 7th October 2024
આ..લે..લે… આપઘાત કરનાર પુત્રી જીવતી સામે આવી !! વેબ સિરીઝની ક્રાઇમ હોરર સ્ટોરી જેવો ડ્રામા !!
સાસરિયે આપઘાત કર્યો, માવતરે અંતિમ વિધિ કરી હવે પ્રેમી સાથે પ્રગટ થતાં કિસ્સો પોલીસને શરણે….

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : પરિવારનું મૃત સભ્ય જો એકાએક સામે આવે તો? ડરી જ જવાય. કચ્છના અંતરિયાળ એવા ગ્રામીણ વિસ્તારમાં બનેલ બનાવ અને ત્યાર બાદ એમાં ફૂટેલ નવો ફણગો વેબ સિરીઝના ઓટીટી પ્લેટફોર્મની અર્બન સીટી (શહેર)ની ક્રાઇમ હોરર ડ્રામા સ્ટોરીને ટક્કર મારે એવો છે. વાડી વિસ્તારમાં રાત્રે ૧૧ વાગ્યે એક દીકરી રડતા રડતા પિતાના પગે પડી માફી માંગે છે કહે છે કે પિતાજી મને માફ કરી દો. પણ… અહીં તો પિતા ચોંકી ને ડરી જાય છે. કારણ? જે દીકરી સામે આવી એણે આપઘાત કરી લીધો હતો અને પોતે થોડા સમય પહેલા જ એની અંતિમ ક્રિયા કરી હતી. હવે મૃત દીકરી ફરી જીવતી થઈ? મેરેજ, લવ એન્ડ સુસાઈડ એક ક્રાઇમ અને હોરર સિરીઝ જેવી આ ઘટના અંતે પોલીસના દ્વારે પહોંચી છે. આ બનાવની વિગતો પ્રમાણે ભુજના સરહદી ખાવડા નજીક ગોડપર ગામે રહેતા સાકરાભાઈ કારમણ પુંજા આહીરની દીકરી રામીબેનના લગ્ન નવેક વર્ષ પૂર્વે નજીકમાં આવેલા ખારી ગામે થયા હતા પણ સાસરિયે મનમેળ ન થતાં તેણીના છૂટાછેડા થયા હતા. જોકે, દીકરીએ છૂટાછેડા બાદ પોતાને ખારી ગામના અનિલ ગોપાલ આહીર સાથે પ્રેમ સબંધ હોવાનું જણાવ્યું હતું. પરંતુ અનિલ પરણિત હોઈ પિતાએ પુત્રીના લગ્ન ખારી ગામના અન્ય યુવાન કાના ડેભા આહીર સાથે કરાવ્યા હતા. જોકે, ગત જુલાઈમાં વેવાઈ ડેભા કરસન આહીરનો ફોન આવ્યો હતો અને રામીબેને સળગીને આપઘાત કરી લીધો હોવાનું તેમને જણાવ્યું હતું. પિતા દીકરીને સાસરિયે પહોંચ્યા ત્યાં વાડામાં એક સળગી ગયેલ મૃતદેહ અને કંકાલના હાડકા જોવા મળ્યા હતા. તે સમયે કોઇ ઉપર વહેમ નહોતો અને મોબાઇલ ઉપર દીકરીનો વીડિયો મેસેજ હતો જેમાં પોતાને માફ કરી દેવાનું અને જીવાય એવું ન હોવાનું દીકરી કહેતી હતી. એટલે કંકાલની સૌ એ અંતિમ વિધિ કરી લીધી હતી. આટલી ઘટના બાદ એકાએક મૃત દીકરી રાત્રે સામે આવી એટલે પિતા ડરી ગયા. જોકે, દીકરી રામીબેને પિતાને પગે પડી રડતાં રડતાં કબૂલાત કરી કે પોતે પ્રેમી અનિલ સાથે નાસી ગઈ હતી. આત્મહત્યા એ નાટક ડ્રામા હતો. આટલી વાત કરી દીકરી પોતાના પ્રેમી સાથે જતી રહી. પણ, હેરાન પરેશાન થયેલા પિતાએ પરિવારજનો અને દીકરીના સાસરીયે જાણ કરી. હવે, સૌ ચોંકી ઉઠ્યા અંતિમવિધિ કરી એ કંકાલ કોનું હતું? અંતે સૌએ સાથે મળી આ સમગ્ર મામલે પોલીસનું શરણું લીધું છે. આત્મહત્યાના બનાવની જે તે સમયે પોલીસ ને જાણ કરાઇ હતી કે નહીં? એ કંકાલ કોનું હતું. એ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
