News of Monday, 7th October 2024
પોરબંદર સાંદિપનીમાં પૂ. રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં નવરાત્રી અનુષ્ઠાનમાં સેવાયજ્ઞ
શ્રી હરિ મંદીરમાં ૪૩ માં શારદીય નવરાત્રીમાં શ્રીરામ ચરિત માનસ પાઠ, શ્રીમદ ભાગવત કથા, મેડીકલ કેમ્પ સહિતના કાર્યક્રમોઃ અર્જુનભાઇ મોઢવાડીયાનું સન્માન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૭: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ૪૩મો શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ શ્રીરામચરિતમાનસ પાઠ, શ્રીમદભાગવત કથા, માં ભગવતીના વિવિધ અનુષ્ઠાન તેમજ વિવિધ સેવાકાર્યો સાથે ચાલી રહ્યો છે. આ સેવાકાર્યના ઉપક્રમમાં માનવસેવાના ભાવસ્વરૂપે જુદા-જુદા મેડિકલકેમ્પ યોજાયા. જેમાં અનેક દર્દીઓને જરૂરી મહત્ત્વની સારવાર તેમજ જરૂરી દવાઓ વિનામુલ્યે પૂરી પાડવામાં આવેલ હતી.
લાયન્સ હોસ્પિટલ ખાતે પલ્મોનોલોજી કેમ્પ
પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી પોરબંદરની લાયન્સ હોસ્પિટલ ખાતે તા.૦૫-૧૦-૨૪ શનિવારના રોજ સંપૂર્ણ દિવસ દરમ્યાન પલ્મોનોલોજી કેમ્પ યોજાયો હતો. આ સેવાકીય મેડીકલ કેમ્પનો મંગલ પ્રારંભ ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર તથા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો. જેમાં કેમ્પમાં સેવા આપનારા ડો. જયેશભાઈ ડોબરિયા (પલ્મોનોજીસ્ટ) રાજકોટ લાયન પ્રમુખ નિધિબહેન શાહ અને ટીમ, ડો. કમલ મહેતા, ડો. સુરેશભાઈ ગાંધી જોડાયા હતા. આ કેમ્પ દરમ્યાન કેમ્પના મનોરથી તાપડિયા પરિવાર સાથે શ્રી ગૌતમભાઈઓઝા પણ ઉપસ્થિત રહીને કેમ્પની માહિતી મેળવી હતી.
પલ્મોનોલોજી કેમ્પમાં સુપ્રસિદ્ધ પલ્મોનોલોજીસ્ટ ડો. જયેશભાઈ ડોબરિયા રાજકોટ અને એમની ટીમ દ્વારા કુલ ૨૯ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન ૬ લોબોરેટરી, ૭ એકસ-રે, ૫ ઈ.સી.જી., ૧ સી.ટી.સ્કેન, ૭ પલ્મોનરી ફંકશન ટેસ્ટ (પી.એફ.ટી.), અને ૮ સોનોગ્રાફી જેવી ખર્ચાળ સુવિધાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડીને જરૂરી દવાઓ આપવામાં આવી હતી. જે વિશેષ નોંધનીય છે. પલ્મોનોલોજી કેમ્પના મનોરથી તરીકે સાંદીપનિના ટ્રસ્ટી અને સંનિષ્ઠ સેવક આદરણીય શ્રી બજરંગલાલજી તાપડીયાજીએ સ્વ. રતનદેવી બજરંગલાલ તાપડીયાની સ્મૃતિમાં સેવા આપી હતી.
ધામેચા આઈ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશયાલિસ્ટ આઈ કેમ્પ
તા. ૦૫-૧૦-૨૪ તથા ૦૬-૧૦-૨૪ ના રોજ ધામેચા આઈ હોસ્પિટલ પોરબંદર ખાતે સુપર સ્પેશ્યાલીસ્ટ આઈ કેમ્પ યોજાયેલ હતો. આ કેમ્પનું ઉદ્ઘાટનના પ્રસંગે ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું જેમાં નેવીના હેડ ઓફિસર રિયર એડમિરલ શ્રીમાન સતીશ વાસુદેવ, પોરબંદર મેડીકલ કોલેજના ડીન ડો.સુશીલ કુમાર, ધામેચા હોસ્પિટલના મનેજીંગ ટ્રસ્ટી શ્રી નાથાભાઈ ગોકાણી, કેમ્પના મનોરથી શ્રી વિશ્રામ રમણ જોગિયા અને પરિવાર, કેમ્પમાં સેવા આપનારા ડો. કુલીનભાઈ કોઠારી તથા ડો.સુરેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
સુપર સ્પેશ્યાલીસ્ટ આઈ કેમ્પમાં મુંબઈના ખ્યાતનામ બોમ્બે સીટી આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના ડો. કુલીનભાઈ કોઠારીની ટીમ દ્વારા કુલ ૨૦૦ જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા. જે પૈકી ૦૩ લેઝરથી ઓપરેશન, ૦૨ ત્રાંસી આંખનું ઓપરેશન, ૦૩ ઢળતી પાંપણના ઓપરેશન એમ કુળ ૮ ઓપરેશન કરવામાં આવ્યા હતા.
મેગા સુપર સ્પેશ્યાલીટી તથા દિવ્યાંગ સાધન સહાય કેમ્પ
તા. ૦૬-૧૦-૨૪, રવિવારના રોજ સાંદીપનિ પરિસરમાં મેગા સુપર સ્પેશ્યાલીટી કેમ્પ તથા દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન થયેલ હતું. કેમ્પના ઉદઘાટન પ્રસંગે પોરબંદર જીલ્લા કલેકટર શ્રીમાન કે.ડી. ધાનાણી, (IAS) પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રીમાન ભગીરથસિંહ જાડેજા, (IPS), કેમ્પના મનોરથી તાપડિયા પરિવાર, મુંબઈ, શ્રી ગૌતમભાઈ ઓઝા, કેમ્પમાં સેવા આપનાર રાજકોટ ગોકુલ હોસ્પિટલના ડો.પ્રકાશભાઈ મોઢા, ભાવનગર પી.એન.આર. સોસાયટીના નિષ્ણાંત ડોકટરની ટીમ, ડો.સુરેશભાઈ ગાંધી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મેગા સુપરસ્પેશ્યાલીટી કેમ્પમાં રાજકોટની પ્રખ્યાત ગોકુલ હોસ્પીટલના ડો.પ્રકાશભાઈ અને ટીમ દ્વારા ૩૨૫ જેટલા દર્દીઓને તપાસીને યોગ્ય સારવાર આપીને વિનામૂલ્યે જરૂરી દવાઓ પૂરી પાડી હતી.
તા.૦૬-૧૦-૨૪થી શરુ થયેલા દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં ભાવનગરના પી.એન.આર.સોસાયટીના નિષ્ણાંત ડોકટરોની ટીમે ૬૧ જેટલા દર્દીઓને તપાસીને જરૂરી સારવાર આપી હતી. આ કેમ્પ તા.૦૯-૧૦-૨૪ સુધી ચાલુ રહેશે.
પૂજ્ય ભાઈશ્રી દ્વારા
ડોકટર્સનું સન્માન
પૂજ્ય ભાઈશ્રી દ્વારા ચોથા નોરતે જયારે શ્રીરામચરિત માનસપાઠને વિરામ આપીને તમામ કેમ્પના ડોકટરોની સેવાનિષ્ઠાની પ્રશંસાં કરી હતી અને કેમ્પમાં સેવા આપનાર સર્વે ડોકટર અને તેની ટીમનું વ્યાસપીઠથી સન્માન કર્યું હતું. આ અવસરે આઈ સુપરસ્પેશ્યાલીસ્ટ કેમ્પમાં સેવા આપનારા મુંબઈના ડો.કુલીનભાઇ કોઠારીએ પોતાના મનોગત ભાવ વ્યકત કરતા જણાવ્યું હતું કે મને અને મારી ટીમ છેલ્લા ૧૫ જેટલા વર્ષથી કેમ્પમાં સેવા આપવાનો અવસર મળે છે એ ભગવાનની જ કૃપા છે. આ વર્ષે પણ અમે ૨૦૦ જેટલા દર્દીઓને તપાસીને યોગ્ય સારવાર આપી હતી. ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા સુપરસ્પેશ્યાલીસ્ટ આઈ કેમ્પ, મેગા સુપરસ્પેશ્યાલીસ્ટ કેમ્પમાં સેવા આપનાર ડોકટર અને ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરેક કેમ્પના આયોજન માટે ડો ભરતભાઈ ગઢવીએ જહેમત ઉઠાવી હતી. તો એ સાથે સાંદીપનિ ગુરુકુળના શ્રી દેવજીભાઈ ઓડેદરા અને શિક્ષકો તથા ગુરુકુળના વિદ્યાર્થીઓએ એ પણ ઉમદા સેવા આપી હતી.
અર્જુનભાઈ મોઢવાડીયાની ઉપસ્થિતિ
શારદીય નવરાત્રિમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં ચાલી રહેલા શ્રીરામચરિત માનસ અનુષ્ઠાનના ચોથા દિવસના પારાયણને વિરામ સમયે પોરબંદર જીલ્લાના ધારાસભ્ય આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા અને અનુષ્ઠાનની આરતીમાં ભાગ લીધો હતો. પૂજ્ય ભાઈશ્રીએ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન પણ કર્યું હતું.
શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં પોરબંદર અને આસપાસના વિસ્તામાંથી અનેક લોકો અનુષ્ઠાન અને મનોરથ-દર્શન માટે આવનારા સૌ ભાવિકોની બપોરના સમયે પ્રભુપ્રસાદરૂપે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હજારો ભાવિકો ભોજન પ્રસાદનો પણ લાભ લઇ રહ્યા છે. તો અનેક લોકો sandipani.tv ના માધ્યમથી પણ અનુષ્ઠાન અને દર્શનમાં જોડાઈ રહ્યા છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
