<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

પોરબંદરમાં ‘પૂ. ભાઇશ્રી'ના સાનિધ્‍યમાં નવરાત્રી અનુષ્‍ઠાનમાં સેવાયજ્ઞનો ધમધમાટ

સાંદિપની - શ્રી હરિ મંદિરમાં પૂ. રમેશભાઇ ઓઝા દ્વારા કરૂણામયીમાનો જળ-પુષ્‍પાભિષેક મનોરથ યોજાયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૧ : શારદીય નવરાત્રિ સાતમા નોરતે શ્રીહરિ મંદિરમાં સાયં આરતી બાદ કરૂણામયી માંનો જલ-પુષ્‍પાભિષેક મનોરથ સંપન્ન કરવામાં આવ્‍યો. પૂજય ભાઈશ્રી, કથાવ્‍યાસ જગદગુરૂ રામાનુજાચાર્ય સ્‍વામીશ્રી શ્રીધરાચાર્યજી મહારાજ તથા મનોરથી શ્રી બજરંગલાલ તાપડીયાજી દ્વારા કરુણામયી માં ને પંચામૃતથી અને કેસર-મિશ્રિત જલ દ્વારા તેમજ વિવિધ ફળ ના રસ અને વિવિધ સુગંધિત પુષ્‍પો વડે શાષાોક્‍ત વિધિ સાથે મંત્રોચ્‍ચાર સાથે તેમજ માતાજીના સંકીર્તન-ભજન સાથે અભિષેક કરવામાં આવ્‍યો. અભિષેક બાદ પૂજય ભાઈશ્રી, પૂજય મહારાજજી તથા મનોરથી પરિવાર દ્વારા આરતી સંપન્ન કરવામાં આવી. આ દિવ્‍ય અભિષેકવિધિની ઝાંખીના દર્શન કરવા માટે અનેક ભક્‍તો પ્રત્‍યક્ષ અને sandipani.tv ના માધ્‍યમથી પરોક્ષ રીતે જોડાયા હતા.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના ભક્‍તિમય કાર્યક્રમ સાથે તા.૦૮-૧૦-૨૪, છઠ્ઠા નોરતે સાંદીપનિ પરિસરમાં નેત્રમણિ સાથેનો નેત્રયજ્ઞ કેમ્‍પ યોજાયો. નેત્રયજ્ઞનો પ્રારંભ મનોરથી તાપડિયા પરિવાર, શ્રીગૌતમભાઈ ઓઝા, પોરબંદર મેડીકલ કોલેજના ડીન તિવારી સાહેબ તથા કેમ્‍પમાં સેવા આપનારા શિવાનંદ મિશન આઇ હોસ્‍પિટલ, વીરનગરના નિષ્‍ણાંત ડોક્‍ટરની ટીમ, ડો. સુરેશભાઈ ગાંધી અને મનોરથી પરિવારના હસ્‍તે દીપપ્રાગટ્‍યથી થયો.

નેત્રમણી સાથેના નેત્રયજ્ઞમાં શિવાનંદ મિશન આઈ હોસ્‍પિટલના નિષ્‍ણાંત ડોક્‍ટરોની ટીમ દ્વારા ૧૫૪ જેટલા દર્દીઓને તપાસવામાં આવ્‍યા હતા. જેમાંથી તપાસ દરમ્‍યાન ૪૩ જેટલા દર્દીઓને હવે પછી ઓપરેશન માટે વિરનગર લઇ જવામાં આવશે. જેની તમામ પ્રકારની વ્‍યવસ્‍થા સાંદીપનિ સંસ્‍થા દ્વારા કરવામાં આવશે. શ્રીરામચરિતમાનસના અનુષ્ઠાનના વિરામ સમયે પૂજય ભાઈશ્રીના કરકમલોથી કેમ્‍પમાં સેવા અપાનારા સૌ ડોકટરોનું બહુમાન કરવામાં આવ્‍યું હતું. 

તા.૦૬-૧૦-૨૪થી શરૂ થયેલા દિવ્‍યાંગ સાધન સહાય કેમ્‍પનું તા.૦૯-૧૦-૨૪ના રોજ સમાપન થયું હતું. જેમાં ભાવનગરના પી.એન.આર.સોસાયટીના નિષ્‍ણાંત ડોક્‍ટરોની ટીમ દ્વારા ૬૧ જેટલા દર્દીઓને તપાસીને જરૂરી સારવાર આપી હતી. જેમાં ૩૩ જેટલા દર્દીઓને વિવિધ પ્રોસ્‍થેટીક અંગો આપવામાં આવેલ હતા, પાંચ દર્દીઓને વ્‍હીલચેર તથા ૦૩ દર્દીઓને ટ્રાયસિકલ આપવામાં આવેલ હતી. આ કેમ્‍પના મનોરથી તરીકે શ્રી બજરંગલાલ તાપડિયાજીએ સેવા આપી હતી. (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:30 AM IST)