<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

બાબુભાઇ બોખીરીયા તથા અન્‍યો સામે જમીન સંબંધેના ૧૭ દાવાઓ રદ

પોરબંદરના ચકચારી જમીન પ્રકરણમાં કોર્ટનો મહત્‍વનો ચુકાદો : કાયદાકીય જોગવાઇઓના આધારે એડવોકેટ ભરતભાઇ લાખાણી તથા એડવોકેટ એમ.જી.શીંગરખીયાએ કરેલી દલીલો માન્‍યઃ સીવીલ જજશ્રી આર.એસ.શાહ દ્વારા બાબુભાઇ સામેના જમીન સંબંધે તમામ દાવાઓ રદ

એડવોકેટ ભરતભાઇ લાખાણી :  એડવોકેટ એમ.જી.શીંગરખીયા : બાબુભાઇ બોખીરીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૧:   પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા તથા અન્‍યો સામે એ. સી. સી. કંપનીની જમીન સંબંધે કરેલા અલગ અલગ ૧૭ દાવાઓ  કોર્ટે રદ કર્યો છે.

ચકચારી  બનેલા જમીન પ્રકરણમાં કોર્ટના આ જમીન સંબંધે મહત્‍વના કેસમાં બાબુભાઇ બોખીરીયા તરફે એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા એમ. જી. શીગરખીયા રોકાયેલા હતા.

અંદાજે ૧૦ થી ૧૨ વર્ષ પહેલા એ. સી. સી. કંપનીની જમીન ઓમ કન્‍સ્‍ટ્રકશન કંપની કે જેમાં ભાગીદાર તરીકે પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા તથા અન્‍ય રહેલા હોય અને તે વખતે પોરબંદરમાં આ પ્રકરણ ચર્ચાનો વિષય બની ગયેલો હતો અને ખૂબ જ વિવાદ થયેલો હતો.

આ જમીન સંબંધે તેના મુળ માલીકો (૧) ગુલાબગર કાનગર રામદતી વિગેરે કુલ-૧૭ (સતર) અલગ અલગ વ્‍યક્‍તિઓ દ્વારા પોરબંદરની કોર્ટમાં એવા મતલબનો દાવો કરેલો હતો કે, મુળ એ. સી. સી. કંપનીની જમીન તેઓના વડવાઓએ સને.૧૯૫૫ માં વેચેલી હતી. અને તે વખતે પોરબંદરમાં સિમેન્‍ટ પ્‍લાન ઉભો થાય અને રોજગારીની તક મળે તેવા હેતુથી અને પરીવારના એક સભ્‍ય ને ફરજીયાત નોકરી આપવાની તેવી શરતે આ જમીનનું વેચાણ કરેલુ હોય પરંતુ એ. સી. સી. કંપનીએ આ જમીન રહેણાંક હેતુમાં ફેરવી વેચાણ કરી નાંખેલુ હોય તેથી તે સંબંધે પોરબંદરની કોર્ટમાં  કુલ-૧૭ દાવાઓ જીલ્લા કલેકટરશ્રી, ઓમ એન્‍ટરપ્રાઈઝ ના ભાગીદારો બાબુભાઈ બોખીરીયા વિગેરે તથા એ. સી. સી. કંપની સામે દાખલ કરેલા હતાં. અને તે દાવામાં બાબુભાઈ બોખીરીયા વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા એમ. જી. શીગરખીયા રોકાયેલા હોય અને દાવા સંબંધે વિગતવાર જવાબ રજુ કરી કાનુની લડત આપેલી હતી. એટલુ જ નહીં જે ૧૭ લોકોએ પોરબંદરની કોર્ટમાં દાવાઓ કરેલા હતાં.

તે તમામની ઉલટ તપાસ એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે કરતા અને તેમાં આ જમીનના દસ્‍તાવેજ ૧૯૫૫ માં કોને કરેલા હતાં ? તેના કુલ કેટલા વારસો હતા? ૧૯૫૫ થી ૨૦૧૫ એટલે કે, ૬૦ વર્ષ દરમ્‍યાન કોઈ કાનુની કાર્યવાહી કરેલ છે કે કેમ? અન્‍ય કોઈ વારસદારોના નામ જાણો છો કે કેમ? એન્‍ટ્રી સંબંધે કોઈ વાંધો લીધેલ છે કે કેમ ? આ તમામ પ્રશ્નોના જવાબ દાવો કરનાર જાણતા ન હોય અને તે રીતે લીમીટેશન એકટની જોગવાઈ મુજબ ૬૦ વર્ષ પછી કોઈ દસ્‍તાવેજ રદ કરવાનો દાવો થઈ શકે નહીં, તેમજ અસંખ્‍ય વારસો પૈકી કોઈ એક વ્‍યકિત દસ્‍તાવેજ રદ કરવાનો દાવો કરી શકે નહી. તેવી કાયદાની મહત્‍વની તકરારો રેકર્ડ ઉપર લાવતા અને દાવો કરનારને પોતાની જમીન કયાં આવી? તે પણ જાણતા ન હોવાનું જવાબમાં જણાવેલુ હોય અને હાલ એ. સી. સી. પાસે જે જમીન બાકી છે તે કે, બાબુભાઈ બોખીરિયાને વેચેલ છે.

તે જમીનમાં વાદીની જમીન છે કે નહીં તે પણ જાણતા ન હોય અને તે રીતે રેકર્ડ ઉપર વાદીઓ કોઈ રીતે પોતાનો દાવો પુરવાર કરી શકેલ ન હોય અને તે રીતે વાદ વાળી જમીન જીલ્લા કલેકટરશ્રીએ ઔઘોગીક હેતુમાંથી રહેણાંક હેતુમાટે ફેરવી આપેલી જગ્‍યા હોય અને તે રીતે વાદીઓએ કોઈપણ રીતે રાજકીય કિન્નાખોરીથી ખોટા દાવાઓ કરેલ હોવાનું રેકર્ડ ઉપર ફલીત થતુ હોય અને તે રીતે તમામ વાદીઓએ ખોટો દાવો કરેલો હોવાનું નામદાર કોર્ટને રેકર્ડ ઉપરથી જણાય આવતા અને તેથી પોરબંદરના પ્રિન્‍સીપાલ સીનીયર સીવીલ જજ શ્રી આર. એસ. શાહ મેડમ દ્રારા રેકર્ડ ઉપરના પુરાવાઓ તથા એડવોકેટ ભરતભાઈ લાખાણીની દલીલ તથા કાયદાકીય જોગવાઈઓ ધ્‍યાને લઈ તમામ દાવાઓ રદ કરેલ છે.

એ. સી. સી. કંપનીની જમીન સંબંધે લાંબા સમયથી વિવાદ ચાલતો હોય અને પોરબંદરમાં ચર્ચાનો વિપય બની ગયેલો હોય પરંતુ આ મહત્‍વના ચુકાદાથી હવે એ. સી. સી. ની જમીનો સંબંધનો વિવાદનો અંત આવેલ છે. આ કામમાં ઓમ એન્‍ટરપ્રાઈઝ ના ભાગીદારો બાબુભાઈ બોખીરીયા વિગેરે વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી, એમ. જી. શીગરખીયા, નિલેષ જોશી, અનિલ ડી. સુરાણી તથા જયેશ બારોટ રોકાયેલા હતાં

(12:47 PM IST)