<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

વાઇબ્રન્‍ટ ગુજરાત - શાળા પ્રવેશોત્‍સવ - કલ્‍યાણ મેળા સહિતની યોજનાઓથી લોકોનું જીવન બદલાયુ : ૨૭ કરોડના ૨૨૭ કામોનું લોકાર્પણ

પડધરીમાં ૭૦ લાખના ખર્ચે રમતના મેદાનનું પૂજન : ગુજરાતમાં વિકાસયાત્રા અવિરતપણે ચાલી રહી છે

રાજકોટ તા. ૧૧ : કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વિકાસ સપ્તાહ અંતર્ગત પડધરીની કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજય કોલેજ ખાતે રૂ.૭૦ લાખના ખર્ચે બનનાર કોલેજના સ્‍પોર્ટ્‍સ ગ્રાઉન્‍ડનું ભૂમિ પૂજન કરી ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે કાર્યક્રમના સ્‍થળ પર મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ રૂ.૨૭ કરોડથી વધુ રકમના ખર્ચે બનનારા રાજકોટ જિલ્લાના ૨૨૫ થી વધુ વિકાસના વિવિધ કામોનું  ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કર્યુ હતુ.

રાજકોટ જિલ્લાને વિકાસના કામોની ભેટ આપતાં કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલાં ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા ત્‍યારથી ગુજરાતમાં વિકાસની યાત્રા અવિરતપણે ચાલી રહી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ જ નરેન્‍દ્રભાઈ મોદીનો વિકાસ મંત્ર છે. વિકાસ સપ્તાહના ભાગરૂપે રાજકોટ જિલ્લામા રૂપિયા ૨૭ કરોડથી વધુ રકમના ખર્ચે બનનારા ૨૨૫ થી વધુ વિકાસના વિવિધ કામોનું ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે, રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પગલે ચાલીને ગુજરાતને સર્વાંગી વિકાસનું મોડલ બનાવવા કાર્યરત છે.

  નરેન્‍દ્ર ભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે તેમણે શરૂ કરેલી વાઇબ્રન્‍ટ ગુજરાત, કન્‍યા કેળવણી, શાળા પ્રવેશોત્‍સવ, કૃષિ મહોત્‍સવ, ગરીબ કલ્‍યાણ મેળા, પશુ આરોગ્‍ય મેળા, ઈ-ગ્રામ વિશ્વગ્રામ, તીર્થગ્રામ, છેવાડાના લોકોને ૨૪ કલાક વીજળી માટે જયોતિગ્રામ યોજના, આરોગ્‍ય, પીવાનું પાણી, રસ્‍તાઓ સહિત પાયાની જરૂરિયાતો તથા જન કલ્‍યાણકારી યોજનાઓ દ્વારા ગરીબોનું ઉત્‍થાન કરવાની સાથે ગુજરાત રાજયને વિકાસના મોડલ તરીકે પ્રસ્‍થાપિત કર્યું છે.

આ ઉપરાંત મંત્રીશ્રીએ કોલેજના મેદાનમાં રમત સંકુલનું ભૂમિ પૂજન કરી ભવિષ્‍યમાં આ મેદાન પડધરીના યુવાનો તથા રમત પ્રેમીઓની ઉપયોગી બનશે તેવી આશા વ્‍યક્‍ત કરવાની સાથે વિકાસ સપ્તાહમાં કાર્યરત જિલ્લા વહીવટી તંત્રને શુભકામના પાઠવી હતી.

જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ આ તકે સ્‍વાગત પ્રવચનમાં રાજય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીની રૂપરેખા આપી જણાવ્‍યું હતું કે, આ સપ્તાહ દરમિયાન રાજકોટ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવાની સાથે વિકાસના વિવિધ કામો હાથ ધરાશે,જેનાં ભાગરૂપે  પડધરીની શ્રીકવિ દાદ કોલેજમાં રમત સંકુલનું ભૂમિપૂજન કરાયું છે. આ રમત સંકુલ પડધરીના રમતવીરોને તથા પોલીસ જેવી  ભરતી માટે તૈયારી કરતા યુવાનોને ઉપયોગી બનશે.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મેયર શ્રી નયનાબેન પેઢડીયા, ધોરાજીના ધારાસભ્‍ય શ્રી મહેન્‍દ્રભાઈ પાડલીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્‍હાણે, પડધરીના સરપંચ શ્રી વિજયભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્‍ય શ્રી બાવનજીભાઈ, અગ્રણી શ્રી રોહિતભાઈ ચાવડા શૈલેષભાઈ ગજેરા સહિત મહાનુભાવો અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

કાર્યક્રમનાં અંતે મહાનુભાવોના હસ્‍તે ‘એક પેડ, માં કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ ભદ્રકીયાએ તથા આભારવિધિ પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીએ કરી હતી.

(3:47 PM IST)