News of Saturday, 12th October 2024
બબ્બે લગ્નો વચ્ચે પરિણીત પુરુષ સાથે પ્રેમમાં અંધ બની રામીએ આપઘાતનું નાટક કરી પ્રેમી અનિલ સાથે મળી પુરાવા માટે નિર્દોષ વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યો !!!
કચ્છના ખારી ગામે વેબ સિરીઝ જેવી અર્બન હોરર લવ ક્રાઇમ સ્ટોરી, પિતા પાસે મૃત દીકરી પ્રગટ થઈ અને ખુલ્યું સનસનીખેજ પ્રેમ પ્રકરણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : પ્રેમ આંધળો છે એ હકીકત દર્શાવતા ઘણા કિસ્સાઓ આપણે જોયા હશે અને સાંભળ્યા હશે. પરંતુ આપણે રીલ એટલે કે ફિલ્મ અથવા વેબ સિરીઝમાં જોવા મળે એવો હોરર લવ ક્રાઈમ સ્ટોરી જેવો સનસનીખેજ બનાવ કચ્છના સરહદી વિસ્તારના ખારી ગામે બન્યો છે. આ કિસ્સો હોરર સિરીઝ ની જેમ શરુ થયો.
ગત અઠવાડિયે રાત્રે ૧૧ વાગ્યે આપઘાત કરી મૃત્યુ પામનાર દીકરી એકાએક પિતા પાસે આવે છે અને રડતા રડતા કહે છે મને માફ કરો, હું મરી નથી જીવતી છું. સાસરિયે સળગીને મરી ગયેલ એ દિકરીના પોતે અગ્નિ સંસ્કાર કર્યા અને હવે એ દીકરી જીવતી થઈ? ડરી ગયેલ પિતાએ પોલીસને જાણ કરવાનું કહ્યું અને પુત્રી પોતાના પ્રેમી સાથે ફરી છનન થઈ ગઈ.
હવે ફિલ્મી પ્લોટ જેવો આ આખો કિસ્સો જોઈએ. ભુજના ગોડપર ગામના સાકરાભાઈ કરમણ પૂંજાની દીકરી રામીના પ્રથમ લગ્ન ખારી ગામે થયા હતા. પણ પ્રથમ પતિ સાથે મનમેળ ન થયો. ૯ વર્ષે છૂટાછેડા થયા માવિત્રે આવીને રામીએ પોતાને ખારી ગામના અનિલ ગોપાલ આહીર સાથે પ્રેમ હોવાનું કહી તેની સાથે લગ્ન કરવાનું કહ્યું. અનિલ પરિણીત હોઈ રામીના પરિવારજનો ત્યાં લગ્નની ના પાડી બીજા લગ્ન ખારી ગામે કાના ડેભા આહીર સાથે કરાવ્યા. પણ ગત જુલાઇ મહિને યુવતી રામીના સાસરિયરેથી પિતાને ફોન આવ્યો કે રામીએ સળગી આત્મહત્યા કરી છે. રામીએ મરણ પહેલા તૈયાર કરેલ વીડિયો ક્લિપ પણ મળી જેમાં માવિત્રો ને કહ્યું હું જીવી શકું એમ નથી મોતને વહાલું કરું છું.
સૌ એ અંતિમ વિધિ કરી પ્રકરણ અહી પૂરું થયું પોલીસ ચોપડો આપઘાતના બનાવ અંગે કોરો રહ્યો. પણ, થોડા દિવસો પહેલા રાત્રે રામી પોતાના પિતા સમક્ષ પ્રગટ થઈ અને રહસ્ય ઘેરું બન્યું, રામી જીવતી છે તો જેને અગ્નિદાહ આપ્યો એ કોણ હતું? રામી પોતાના બબ્બે લગ્ન બાદ પરિણીત એવા અનિલ સાથે આવી અને પરત ચાલી ગઈ તો હવે સત્ય શું છે? રામીના પરિવારજનો પોલીસના શરણે પહોંચ્યા અને ઉજાગર થયું વધુ એક રહસ્ય.
પોલીસે પ્રેમી યુગલ રામી અને અનિલ ને કચ્છમાં જ રાપરમાથી ઝડપી લીધા. આ બન્ને પ્રેમીઓએ એક થવા રામીના આપઘાતનું તરકટ રચી સળગેલી રાખમાં જે હાડકા નીકળ્યા એ એક વૃદ્ધની હત્યા કરી એની સળગાવેલી લાશ હતી. બાજુમાં રામીનો મોબાઇલ, છેલ્લો વીડિયો અને ચપ્પલ મૂક્યા કે એવું લાગે રામી જ છે.
પોલીસે અનિલ અને રામીને વધુ પૂછ્યું તો અનિલ કબૂલ કર્યું કે ભુજના હમીરસર પાસે પડ્યા પાથર્યા રહેતા એકલા વૃદ્ધની હત્યા કરી એની લાશને રામીની લાશમાં ખપાવી દેવાનું એમનું ષડયંત્ર હતું.
આ આખોયે પ્લોટ સફળ થયો સૌ એ માન્યું રામી એ આપઘાત કરી લીધો છે. પણ, અંતે જે હોય તે દીકરી તરીકે રામીનું અંતર ડંખ્યું પિતા પાસે આવી અને સનસનીખેજ સત્ય બહાર આવ્યું. પોતે બંને પ્રેમીઓ અનિલ અને રામી સાથે આત્મહત્યા કરવાનું વિચારે એ પહેલા જ પોલીસે પકડી લીધા.
દરમ્યાન પોલીસે જે વૃદ્ધની હત્યા કરાઈ એનો સ્કેચઓળખ માટે જાહેર કર્યો છે. વેબ સિરીઝ માં દર્શાવાતા અર્બન ક્રાઈમ એટલે કે મેટ્રો સીટીઓમાં બનતા લવ સ્ટોરીઓના ગુનાના બનાવ જેવા આ પ્રકરણમાં હજી બીજું શું બહાર આવે છે એ જોવું રહ્યું.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
