<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

માળીયાના ગળોદર પાસે પોલીસ બોલેરોના ચાલકે બાઇકને ઠોકર લગાવતા ૨ ભાઇને ગંભીર ઇજા

ઇજાગ્રસ્‍ત યુવકો વાંદરવડ ગામે માતાજીના હવનમાં આવતા'તા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૨ જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના ૨૪ વર્ષીય હિતેશભાઈ લખમણભાઇ ભેંદરડા અને ૨૩ વર્ષીય નાનો ભાઈ રવિ જીજે ૨૩ ડીઈ ૭૧૩૫ નંબરના બાઈક પર બેસીને ૧૦ ઓક્‍ટોબરના રોજ સવારે ૬ વાગ્‍યે માળિયા હાટીના તાલુકાના વાંદરવડ ગામે માતાજીના હવનમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. કેશોદ બાયપાસ રોડ પસાર કરી માળિયા તરફ અને ગડોદર ચોકડીથી વાસણ રોડ ઉપર જતા હતા અને હિતેશભાઈ બાઈક ચલાવતા હતા ગડોદર ગામ પાસે આવેલ માળીયા આઈટીઆઈની સામે પાછળથી પૂર ઝડપે આવેલ જીજે ૧૮ જીબી ૬૭૧૧ નંબરની પોલીસ બોલેરોના ચાલકે બાઈકને ઠોકર લગાવતા બંને ભાઈ રોડ ઉપર ફેંકાઈ ગયા હતા. જેના પગલે પોલીસ બોલેરો રોકાઈ ગઈ હતી અને લોકો એકત્ર થઈ ગયા હતા.

આ અકસ્‍માતમાં બંનેને ગંભીર પ્રકારની ઈજા થતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સમાં પ્રથમ માળિયા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા અને ત્‍યાંથી બંને ભાઈને વધુ સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્‍પિટલમાં રીફર કરવામાં આવ્‍યા હતા. અકસ્‍માત અંગે માળિયા પોલીસે હિતેશ ભાઈની ફરિયાદ લઈ પોલીસ બોલેરોના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(10:32 AM IST)