<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

પાણી કેમ શેરીમાં કાઢો છો? કહી ચંદુભાઇની હત્‍યા

મોરબીના માળીયા મિયાણા તાબેના મોટા દહીંસરા ગામે પડોશીઓની તકરાર લોહીયાળ બની : ચાલીસ વર્ષના ચંદુભાઇ છગનભાઇ મકવાણાને પડોશમાં રહેતાં ચાર સગા ભાઇઓ સુરેશ ઇન્‍દરીયા, વિજય ઇન્‍દરીયા, અરૂણ ઇન્‍દરીયા અને અશોક ઇન્‍દરીયાએ ફટકાર્યાઃ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ ચાર સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્‍પાંત : જમાઇ ચંદુભાઇને બચાવવા વચ્‍ચે પડેલા સસરા મહાદેવભાઇને પણ માથામાં ધોકા ફટકારાયા'તા

હત્‍યાનો ભોગ બનેલા ચંદુભાઇ મકવાણાનો મૃતદેહ અને ફાઇલ ફોટો

રાજકોટ તા. ૧૨: મોરબીના માળીયા મિંયાણા તાબેના મોટા દહીંસરા ગામે એક પરિવારના ઘરમાં પાઇપ લાઇન તૂટી ગઇ હોઇ તેના કારણે પાણી વહીને શેરીમાં જતુ઼ હોઇ પડોશી શખ્‍સે કેમ તમારા ઘરનું પાણી બહાર કાઢો છો? તેમ કહી પડોશી સાથે માથાકુટ કરી ગાળો દઇ ઝપાઝપી કર્યા બાદ પોતાના ત્રણ ભાઇઓ સાથે મળી ધોકા-પાઇપના ઘા કરતાં યુવાનને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેણે દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પરિણમતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

આ બનાવમાં માળીયા મિંયાણા પોલીસે હત્‍યાનો ભોગ બનેલા મોટા દહીંસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતાં ચંદુભાઇ છગનભાઇ મકવાણા (ઉ.વ.૪૦)ના પત્‍નિ નિર્મલાબેન ચંદુભાઇ મકવાણાની ફરિયાદ પરથી તેમના જ પડોશમાં રહેતાં ચાર સગા ભાઇઓ અશોક અવચરભાઇ ઇન્‍દરીયા, વિજય અવચરભાઇ ઇન્‍દરીયા, સુરેશ અવચરભાઇ ઇન્‍દરીયા અને અરૂણ અવચરભાઇ ઇન્‍દરીયા વિરૂધ્‍ધ હત્‍યાનો કોશિષનો ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન આજે વહેલી સવારે ચંદુભાઇએ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પરીણમ્‍યો છે.

નિર્મલાબેન મકવાણાએ જણાવ્‍યું હતું કે મારા પતિ ચંદુભાઇ છગનભાઇ મકવાણા છુટક મજૂરી કરતાં હતાં. અમારે સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. મારા પતિ બે ભાઇ અને બે બહેનમાં બીજા નંબરે હતાં. ૧૦મી ઓક્‍ટોબરે સાંજે છએક વાગ્‍યે હું અને મારા પતિ તથા મારા જેઠાણી મનીષાબેન, મારા જેઠનો દિકરો મેહુલ, મારા સાસુ વખતબેન એમ બધા ઘરે હતાં ત્‍યારે પડોશી સુરેશ ઇન્‍દરીયા અમારા ઘર પાસે આવ્‍યા હતાં અને બોલવા લાગ્‍યા હતાં કે અહિ શેરીમાં તમે પાણી કેમ કાઢો છો? જેથી હું તથા મારા પતિ ઘરની બહાર નીકળ્‍યા હતાં. મારા પતિએ સુરેશને કહેલુ કે અમે પાણી કાઢતા નથી, પણ પાઇપ તૂટી ગયો હોવાથી પાણી વહે છે. આ સાંભળી સુરેશે મારા પતિને જેમ તેમ ગાળો દીધી હતી અને ઝપાઝપી કરી હતી.

દેકારો થતાં સુરેશના ભાઇઓ વિજય, અશોક અને અરૂણ પણ લાકડી ધોકા લઇને આવી ગયા હતાં. સુરેશના હાથમાં લોખંડનો પાઇપ હતો. ચારેય ભાઇઓએ હુમલો કરી મારા પતિને માથામાં આડેધડ ઘા ફટકાર્યા હતાં. બેફામ મારને કારણે મારા પતિ પડી ગયા હતાં અને લોહીલુહાણ થઇ ગયા હતાં. મારા પિતા મહાદેવભાઇ દોડી આવતાં મારા પતિને વધુ મારથી બચાવ્‍યા હતાં. ત્‍યારે વિજયએ ધોકાથી મારા પિતાને પણ માર માર્યો હતો. જેથી તેમને પણ લોહી નીકળવા માંડયું હતું. લોકો ભેગા થઇ જતાં હુમલાખોર ચારેય ભાઇઓ અમને મારી નાખવાની ધમકી આપી નીકળી ગયા હતાં.

એ પછી મારા જેઠ ભરતભાઇ આવતાં મારા પતિ અને પિતાને માળીયા મિયાણાની સરકારી હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. જ્‍યાં બંનેને પ્રાથમિક સારવાર આપી પાટા બાંધી દીધા હતાં. પણ મારા પતિને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલે લઇ જવાનું કહેવાતાં અમે તેમને રાજકોટ લાવતાં ઇમર્જન્‍સી વોર્ડમાં દાખલ કર્યા હતાં. અમારા ઘરમાંથી પાણી નીકળતું હોઇ તે કારણે પડોશી સુરેશે બોલાચાલી ઝપાઝપી કર્યા બાદ તેના ભાઇઓ સાથે મળી ધોકા, પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં મારા પતિને ગંભીર ઇજા પહોંચી હતી. માળીયા પોલીસે હુમલાનો ગુનો નોંધ્‍યો હતો.

દરમિયાન આજે વહેલી સવારે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ચંદુભાઇ મકવાણાએ દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પરીણમતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે જાણ કરતાં માળીયા મિંયાણા પોલીસે રાજકોટ આવી આગળની કાર્યવાહી કરી હતી. બીજી તરફ આરોપીઓને ઝડપી લેવા તજવીજ કરવામાં આવી હતી. હત્‍યાની આ ઘટનામાં મોભી ગુમાવતાં મકવાણા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. આ બનાવથી ચાર સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે.

(11:22 AM IST)