<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

આદિત્‍યાણાના ચોક ઉદ્યોગ ઉપર સંકટઃ બે મહિનામાં તમામ યુનિટો બંધ

એશિયામાં એક માત્ર આદિત્‍યાણામાં વ્‍હાઇટ ચોક ખનીજનો ભરપુર જથ્‍થો પર્યાવરણ જાળવણીના નિયમો આકરા બનાવાતા મુશ્‍કેલી વધીઃ હજારો લોકોની રોજગારી ઝૂંટવાઇ

આદિત્‍યાણા તા. ૧ર :.. વિશ્વભરમાં માત્ર બે જગ્‍યા બેલ્‍જીયમ અને ભારતમાં તેમજ એશીયાભરમાં માત્ર એક જગ્‍યાએ ગુજરાતના પોરબંદર જીલ્લાના આદિત્‍યાણા ગામે મળી આવતું ખનીજ વ્‍હાઇટ ચોક ઉદ્યોગ છેલ્લા બે મહિનાથી સંપૂર્ણ પણે બંધ થઇ જતા આ ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો લોકોની રોજીરોટી ઝૂંટવાઇ ગયેલ છે.

ચોક ઉદ્યોગકારોમાં થતાં કચવાટ મુજબ સરકારની ખોટા નીતિઓને કારણે મોટા ઉદ્યોગોને ગોળ અને લઘુ ઉદ્યોગોને ખોળ તે અનુસાર લઘુ ઉદ્યોગો ધીમે ધીમે બંધ થઇ રહેલ છે.

સરકાર દ્વારા છેલ્લા બે મહિનાથી ચોક ઉદ્યોગના એ. ટી. આર. (રોયલ્‍ટી) લોક કરી દીધેલ છે. આ રોયલી લોક કરવાનું કારણ એમ્‍પાયરમેન કલીયરન્‍સ (ઇ.સી.) છે.

આ ચોક ઉદ્યોગકારો ર૦૧૪ થી ઇ. સી. માટે એપ્‍લાઇ કરવામાં આવેલ છે. પણ સરકારશ્રીના જુદા જુદા પરિપત્રોને આધારે ચોક ઉદ્યોગને ઇ. સી. ઇસ્‍યુ કરવામાં આવેલ નથી. છેલ્લે સરકારશ્રી દ્વારા ર૦ર૧ માં કલસ્‍ટર ઇસી જાહેર કરવામાં આવેલ જે મુજબ સરકારશ્રી દ્વારા એક એજન્‍સીને ઇ.સી. માટે કામ આપવામાં આવેલ અને બધા ચોક ઉદ્યોગકારોને આ એજન્‍સીમાં જોડાઇને ઇ.સી. લેવાનું કહેવામાં આવેલ અને ચોક ઉદ્યોગકારોએ આ એજન્‍સીને પોતાના ડોકયુમેન્‍ટ 

પણ આપી દીધા સાથોસાથ દરેક ચોક લીઝ હોલ્‍ડરોએ સહમતી આપેલ કેુ અમમો જે ખર્ચ થાય તે ભોગવવા તૈયાર છે પણ અમને ઇસી આપો પણ અંતે ર૦ર૪માં આ કલસ્‍ટર ઇ.સી.ની એજન્‍સીનું પણ ઉઠમણું થઇ ગયું. અંતે ફરીથી ચોક ઉદ્યોગકારોએ પોતાની રીતે સેપરેટ ઇસી માટે અરજીઓ કરી પણ હજુ સુધી સરકાર દ્વારા ઇ.સી. ઇસ્‍યુ કરવામાં ના આવતા અંતે ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા બે મહિનાથી આ ચોક ઉદ્યોગની રોયલ્‍ટી લોક કરી દેતા ચોક ઉદ્યોગકારો દ્વારા ઇ.સી. માટે કરવામાં આવેલ લાખો રૂપીયાનો ખર્ચ પાણીમાં ગયેલ છે. અને ચોક ઉદ્યોગ તેમજ તેની સાથે સંકળાયેલ હજારો લોકો બેકારીના ખપ્‍પરમાં હોમાઇ ગયેલ છે.

આ ચોક ઉદ્યોગ દ્વારા જરાપણ પ્રદુષણ કરવામાં આવતું નથી. છતા પણ એન્‍વાયરમેન્‍ટ કલીયરન્‍સી આપવામાં આવતુ નથી. ઉપરાંત બરડા વાઇલ્‍ડ લાઇફ સેન્‍ચ્‍યુરીથી પણ પાંચ કિલોમીટર દુર આવેલ છે. જેથી જંગલથી પણ ખુબ દુર હોવા છતા ઇ.સી. અપાતુ નથી. જયારે બરડા વાઇલ્‍ડ લાઇફ સેન્‍ચ્‍યુરીની દિવાલથી માત્ર એક કિલોમીટર વિસ્‍તારમાં આવેલ એક મોટા ઉદ્યોગને એન્‍વાયરમેન્‍ટ કલીયરન્‍સ પણ આપી દેવામાં આવેલ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા ૯પ/૨૦૦૨ મુજબ એક કિલોમીટર હદમાં આવેલ કોઇ પણ ઉદ્યોગ બાન ગણાય છે.

બીજી બાજુ મોટા ઉદ્યોગોને નિયમ બહાર જઇને પણ ચાલુ રાખવામાં આવે છે. જયારે લઘુ ઉદ્યોગને કોઇ પણ પ્રદુષણ કરવુ  ન હોવા છતા પણ બંધ કરાવી દેવામાં આવે છે તેવી ચર્ચા છે.

આદિત્‍યાણાનો ધોડા પથ્‍થર પણ ભારતભરમાં પ્રખ્‍યાત છે. જે પથ્‍થર મંદીરો બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. આ પથ્‍થર નાના નાના ખાણીયાઓ દ્વારા કાઢવામાં આવતો હતો. આ નાના નાના ખાણીયાઓની રોજીરોટી પણ છેલ્લા દસેક વર્ષથી બંધ થઇ ગયેલ છે અને ખાણીયાઓના લીઝ પરવાના પણ રદ કરી નાખવામાં આવેલ છે.

એશીયાભરના એક માત્ર એવા ચોક ઉદ્યોગને મૃતપાય થતો અટકાવવા સરકારશ્રી દ્વારા તાત્‍કાલીક અસરથી એન્‍વાયરમેન્‍ટ કલીયરન્‍સ સર્ટીફીકેટ આપવામાં આવે અને લોક કરવામાં આવેલ રોયલ્‍ટી પાસે પુનઃ અનલોક કરી વિસ્‍તારની બેકારી દુર કરવામાં આવે તેવી ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરવામાં આવેલ છે.

(11:49 AM IST)