News of Saturday, 12th October 2024
કોટડાસાંગાણીના અર્જુન વાઘેલાનું ધકકો લાગતા ખાણમાં પડી જતા મોત થયું'તું: બંન્નેની ધરપકડ
કબુતરનો શિકાર કરવા બાબતે ઝપાઝપી થતા બે મિત્રોથી ધકો લાગી ગયો'તો

રાજકોટ, તા., ૧૨: કોટડા સાંગાણીના યુવાનની ખાણમાંથી લાશ મળ્યા બાદ પોલીસ તપાસમાં કબુતરનો શિકાર કરવા બાબતે ઝપાઝપી થતા બે મિત્રોથી ધક્કો લાગી ખાણમાં પડી જતા મોત થયાનું ખુલતા બંન્ને મિત્રો સામે પોલીસમાં ગુન્હો દાખલ કરી ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ ગત તા. ૮ના રોજ ખોખરી રોડ પર ખાણમાં પાણીમાં એક યુવાનની લાશ તરતી હોવાની જાણ થતાં કોટડાસાંગાણી પોલીસે પહોંચી તપાસ કરી હતી. તપાસમાં મૃતક કોટડાસાંગાણીમાં રહેતો અર્જુન સવશીભાઇ વાઘેલા (ઉ.વ.૨૩) ગૂમ હોવાની જાણ થતાં પોલીસે તેના પરિવારજનોને બોલાવી મૃતદેહ બતાવતાં આ મૃતદેહ અર્જુનનો જ હોવાનું સ્પષ્ટ થયું હતું.
દરમિયાન મૃતકના પરીવારજનોએ અર્જુનની હત્યા થઇ હોવાનો આક્ષેપ કરતા પોલીસે લાશનું ફોરેન્સીક પી.એમ. કરાવ્યું હતું. પી.એમ.રીપોર્ટમાં પડી જતા ઇજા થયાનું ખુલતા કોટડા સાંગાણીના મહિલા પીઆઇ એમ.આર.રાઠોડએ મૃતક અર્જુનના મિત્રો અજય રઘુભાઇ ચોરાલીયા તથા નિલેશ ઉર્ફે બબુ અમરશીભાઇ સોલંકી રે. કોટડા સાંગાણીની પુછતાછ કરતા બંન્નેએ કબુતરનો શિકાર કરવા બાબતે ઝપાઝપી થતા અર્જુનને ધક્કો લાગી જતા ખાણમાં પડી જતા તેનું મોત થયાની કબુલાત આપી હતી.
કોટડા સાંગાણી પોલીસે મૃતક અર્જુનના પિતા સવશીભાઇની ફરીયાદ ઉપરની ઉકત બંન્ને સામે શાપરાધ મનુષ્ય વધની કલમ તળે ગુન્હો દાખલ કર્યો હતો.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
