<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

પાકિસ્તાનની જેલમાં નવા બંદરના માછીમારનું મોત: 37 દિવસ બાદ મૃતદેહ વતન પહોંચ્યો : પરિવારજનોમાં કરુણકલ્પાંત

પરિવારજનોના હૈયાફાટ રૂદનથી નવા બંદર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ

પોરબંદર :છેલ્લા ત્રણેક વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવા બંદરના માછીમારનું ગત 5 સપ્ટેમ્બરના રોજ કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું હતુ. જે બાદ આજે 37 દિવસ બાદ માછીમારનો મૃતદેહ માદરે વતન પહોંચતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી નવા બંદર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નવા બંદરના વતની સુરેશ નથુ સોલંકી (45) ગત 21 એપ્રિલ, 2021ના રોજ પોરબંદરના મધુભાઈ કોટિયાની આકાશ નેન્સી બોટમાં ફિશિંગ માટે દરિયામાં ગયા હતા. જ્યાં પાકિસ્તાન મરિન દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતુ.

 

જે બાદ સુરેશ સોલંકીને ઈસ્લામાબાદની જેલમાં કેદ રખાયા હતા. જ્યાં ગત 5 સપ્ટેમ્બરના રોજ કાર્ડિયાક એરેસ્ટના કારણે તેમનું મોત નીપજ્યું હતુ. સુરેશ સોલંકીનું મોત થયાના 37 દિવસ બાદ તેમના મૃતદેહને ઈસ્લામાબાદથી વાઘા બોર્ડર લાવવામાં આવ્યો હતો. જ્યાંથી પ્લેનમાં અમૃતસર અને પછી બાય રોડ અમદાવાદ થઈને તેમનો મૃતદેહ આજે સવારે નવા બંદર પહોંચ્યો હતો. નવા બંદરમાં સુરેશ સોલંકીનો મૃતદેહ આવતા જ પરિવારમાં કાળો કલ્પાંત વ્યાપ્યો છે.

આ અંગે સામાજિક કાર્યકર બાલુભાઈ સોચાએ સુરેશ સોલંકીનો મૃતદેહ માદરે વતન મોકલવા બદલ પાકિસ્તાન સત્તાધીશોનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે ફરિયાદ કરી હતી કે, હાલના સમયમાં પાકિસ્તાન જેલમાં 211 જેટલા આપણા માછીમારો 2022થી સબડી રહ્યા છે. જે પૈકી કેટલાક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે, જેમના પરિવારો અહીં ચિંતિત છે. આગામી દિવસોમાં વિદેશ મંત્રી એસ.જયશંકર પાકિસ્તાન જઈ રહ્યા છે, ત્યારે તેમણે માછીમારોને મુક્ત કરવાની માંગ કરવી જોઈએ.

(7:59 PM IST)