<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

વિંછીયાના જંગલમાં શિકાર કરવા નીકળેલા દંપતિનો ફોરેસ્‍ટ કર્મચારીઓએ પીછો કરતાં પટકાયાઃ પતિ પાસેથી બંદૂક મળી

મોઢુકાના મગનને માથામાં ઇજાઃ પોતાને અને પત્‍નિને અજાણ્‍યાએ મારકુટ કર્યાની રાવ સાથે રાજકોટ સારવાર માટે પહોંચ્‍યાઃ પણ વિગત જુદી જ બહાર આવીઃ પોલીસે આર્મ્‍સ એક્‍ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા કાર્યવાહી કરી

રાજકોટ તા.  ૧૭: વિછીયાના મોઢુકા ગામે રહેતો યુવાન અને તેની પત્‍નિ સારવાર માટે રાતે રાજકોટ સિવિલ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. પોતાના પર ઘેલા સોમનાથ રોડથી મોઢુકા ગામ વચ્‍ચે અજાણ્‍યાઓએ હુમલો કર્યાનું કહેતાં તે મુજબની નોંધ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વિછીયા પોલીસમાં કરાવી હતી. જો કે તપાસ થતાં આ બંને બંદૂક લઇ શિકાર કરવા નીકળ્‍યા હોઇ ફોરેસ્‍ટ કર્મચારીઓએ પીછો કરતાં ભાગવા જતાં પડી ગયાનું ખુલતાં પોલીસે ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળેલી માહિતી અનુસાર મોઢુકા રહેતો મગન તળશીભાઇ ખાવડીયા (ઉ.વ.૩૩) રાતે માથામાં ઇજા થયેલી હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલે પહોંચ્‍યો હતો. સાથે તેની પત્‍નિ શારદાબેન પણ હતી. મગને પ્રાથમિક પુછતાછમાં પોતે ફોટોગ્રાફીનું કામ કરતો હોવાનું અને પત્‍નિ સાથે રાજકોટ આવી પરત પોતાના ગામ જતો હતો ત્‍યારે મોઢુકા નજીક અજાણ્‍યા શખ્‍સોએ આંતરી પાઇપથી ફટકાર્યાનું કહ્યું હતું. જો કે વિછીયા પોલીસ રાજકોટ તપાસમાં આવતાં અલગ જ વિગતો ખુલી હતી. મગન અને તેની પત્‍નિ બંદૂક લઇ શિકાર કરવા નીકળ્‍યા હોઇ ફોરેસ્‍ટ કર્મચારીઓ દ્વારા પીછો થતાં પડી જતાં ઇજા થઇ હતી. વળી મગન પાસે બંદૂક પણ હતી.

આ મામલે  જસદણમાં રહેતા અને વનપાલ (રાઉન્‍ડ ફોરેસ્‍ટર) તરીકે ફરજ બજાવતા દેવરાજભાઇ વાલજીભાઇ ગોહિલ (ઉ.વ.૩૯)એ વીંછિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં મોઢુકા ગામના મગન તળસી ખાવડીયા અને તેની પત્‍નિ શારદાબેનનું નામ આપ્‍યું છે. ફરિયાદમાં જણાવ્‍યું છે કે, ગત રાત્રીના નવેક વાગ્‍યે ઇન્‍ચાર્જ વનપાલ અને બીટગાર્ડ સાથે મોઢુકા રાઉંન્‍ડમી ઉમઠવીડી બોર્ડર પાસે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે અવાજ સંભળાતા ટોર્ચ લાઈટ કરીને જોતા એક પુરૂષ અને મહિલા હાથમાં બંદૂક સાથે જોવા મળતા શિકારના ઇરાદે પ્રવેશ કર્યો હોવાનું લાગતા તેને ઉભા રહેવાનું કહેતા બંને મોટરસાઈકલમાં ભાગવા લાગ્‍યા હતા આથી તેને પકડવા માટે અમે જુદી જુદી મોટર સાઈકલમાં પીછો કરતા તેની મોટરસાઇકલ રાધાકળષ્‍ણ મંદિરથી મોઢુકા વચ્‍ચે સ્‍લીપ થઇ જતા બંને દંપતી પટકાયા હતા અને તેની પાસે રહેલી બંદૂક પણ બાજુમાં પડી હતી.

ત્‍યાં જઈને જોતા યુવકના માથાના ભાગેથી લોહી નીકળવા લાગતા ૧૦૮ મારફતે તેને પ્રથમ વીંછિયા અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્‍યો હતો. દંપતી પાસેથી મળેલી બંદૂક વીંછિયા પોલીસ સ્‍ટેશનને સોંપી બનાવની જાણ કરતા પોલીસે દંપતી સામે ગુનો દાખલ કર્યો હતો. રાજકોટ હોસ્‍પિટલમાં મગન પર પોલીસ જાપ્‍તો મુકાયો હતો

(3:22 PM IST)