<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

મોરબીમાં રીક્ષામાં રાજકોટના પેસેન્‍જર પાસેથી રૂપિયા સેરવી લેનાર ત્રિપુટી પકડાઇ

પકડાયેલ ત્રિપુટી પૈકી બે શખ્‍સો અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકયા છેઃ એકની શોધખોળ

તસ્‍વીરમાં પકડાયેલ ત્રિપુટી, રીક્ષા અને ચોરાઉ દાગીના નજરે પડે છે. (તસ્‍વીર : પ્રવિણ વ્‍યાસ મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૯ :..  મોરબીના સરદાર રોડ વિજય ટોકીઝ પાસેથી પેસેન્‍જર તરીકે બેઠેલ આધેડના થેલામાંથી સોના ચાંદીના દાગીનાની નઝર ચૂકવી ચોરી થઇ હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાયા બાદ એલસીબી ટીમે તપાસ દરમિયાન ત્રણ શખ્‍સોને મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

રાજકોટના ગુંદાવાડીમાં રહેતા જયસુખભાઈ બચુભાઈ લખતરીયાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૧-૦૯ ના રોજ એક સી એન જી રીક્ષા ચાલક તથા તેમાં બેઠેલ અજાણ્‍યા ત્રણ પુરુષ ઇસમોએ જયસુખભાઈને સરદાર રોડ વિજય ટોકીઝ પાસેથી રીક્ષામાં પેસેન્‍જર તરીકે બેસાડી જયસુખભાઈની નઝર ચૂકવી થેલાની ચેઈન ખોલી તેમાંથી ચાંદીની પગની વીટીઓ,માછલી કઈડા ચેઈન વાળા ૫૦૦ ગ્રામ વજન ના તથા ૨૩૦ ગ્રામના નાના છોકરાના હાથની કડલી જોડ ૨૦, ૩૧૦ ગ્રામના પગના સાંકળાના આકંડિયા મળી કુલ ચાંદીના ધરેણાના વજન ૧ કિલો ૪૦ ગ્રામ જેટલું જેની કીમત રૂ.૯૩,૦૦૦ ની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

 ફરિયાદ નોંધાયા બાદ મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમ તપાસમાં હોય દરમિયાન સીસીટીવી તપાસ કરતા નંબર પ્‍લેટ વિનાની રીક્ષા જેના હુડમાં સલમાનખાન તથા હિરોઈનના ફોટા વાળું પોસ્‍ટર લગાડેલ હોય જે રીક્ષામાં બેઠેલ ઇસમો પૈકી એક ઇસમ અજાભાઈ ભીમાભાઇ સોલકી રહે-રાજુલા વાળું હોવાનું અને અગાઉ પણ આવા જ ઙ્કકારના ગુનામાં પકડાયેલ હોવાનું સામે આવતા તા.૧૮-૧૦ ના રોજ રીક્ષામાં ત્રણેક ઇસમો બેસી રાજકોટ થી મોરબી આવતા હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે વોચ ગોઠવીને રીક્ષા જીજે ૦૧ ટીએચ ૩૫૬૪ આવતા તેને રોકી તપાસ દરમિયાન ત્રણ ઇસમો ચાંદીના દાગીના સાથે મળી આવતા તેને ઝડપી પાડી વધુ પુછપરછ કરતા ત્રણેય ઇસમોએ તથા અન્‍ય એક ઇસમે મળી આ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

જેથી એલસીબી ટીમે ચાંદીના દાગીના ૧ કિલો ૪૦ ગ્રામ કીમત રૂ.૯૩,૦૦૦, રોકડા રૂ.૨૦૦૦,સી એન જી રીક્ષા અને એક મોબાઈલ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૬૫,૫૦૦ કબજે કરી આરોપી અજય ઉર્ફે અરજણ ઉર્ફે અજો ઉર્ફે બેરો ભીમાભાઇ સોલંકી,જોરૂભાઈ ઉર્ફે જોકર જશુભાઈ બારિયા અને રાકેશ ઉર્ફે રાવડી રમેશભાઈ સોરઠિયાને પકડી પાડ્‍યા હતા જ્‍યારે આકાશ જયંતીભાઈ સોરઠીયાની શોધખોળ હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ રીક્ષાના નંબર ના દેખાય તે માટે નંબર પ્‍લેટ ઉપર ફૂલનો હાર અથવા લાઈટ ફીટ કરી અથવા કપડું બાંધી શહેરી વિસ્‍તારમાં નીકળી એકલ દોકલ પુરુષોને રીક્ષામાં પાછળની શીતમાં પેસેન્‍જર તરીકે વચ્‍ચે બેસાડી પેસેન્‍જરની નજર ચૂકવી રોકડ રકમ/દાગીનાની ચોરી કરતા હોવાની ટેવ વાળા છે તેમજ આરોપી અજય અગાઉ ભાવનગર, અમદાવાદ અને અમરેલી જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ગુનામાં ચોપડે ચડી ચુકયો છે તો આરોપી જોરુ ઉર્ફે જોકર ભાવનગર જીલ્લામાં મહુવા પોલીસમાં ૧૩ જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાની માહિતી મળી છે.

(12:02 PM IST)