<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

અમરેલીના ખાંભા ગીરમાં વરસાદી માહોલઃ મગફળી, કપાસ તથા સોયાબીનના પાકને ભારે નુકશાન

અમરેલીઃ ગુજરાતમાં નૈઋત્વના ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને 142 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો હોવા છતાં વરસાદી અસર ઓછી થવાનું નામ જ લઈ રહી નથી. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ જાન્યો છે. ભારે વરસાદને કારણે મગફળી, કપાસ અને સોયાબીનના પાકમા ભારે નુકસાન થયું છે.

ખાંભા ગીરના ચકરાવા, બોરાળા,બાબરપરા સહિત ગામોમાં સવારથી વરસાદી પડી રહ્યો છે. અવિરત વરસાદી માહોલથી ખેડૂતો ચિંતિત બન્યા છે. નોધનીય છે કે, શનિવારે જૂનાગઢના મેંદરડામાં 2 કલાકમાં  3.50 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. અમરેલીના લાઠીમાં 1.50 ઈંચ વરસાદ પડયો હતો. કુકાવાવ અને જીથુડીમાં શનિવારે ધોધમાર વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. સતત વરસાદને કારણે મગફળી, કપાસ અને સોયાબીનના પાકમા ભારે નુકસાન થયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે (20મી ઓકટોબર) રાજ્યમાં વરસાદી વાતાવરણ રહે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

(3:33 PM IST)