<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

ગિરનાર પર બે કલાકમાં 3 ઈંચથી વધુ ધોધમાર વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર:ઓજત ડેમ ઑવરફ્લો : 12 દરવાજા ખોલાયા

દામોદરમાં બે કાંઠે પાણી વહેતુ થઈ ગયું : ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ

જૂનાગઢ : આજે બપોર બાદ જૂનાગઢ અને ગિરનારમાં મેઘ ગર્જના સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ રીને ગિરનાર પર માત્ર 2 કલાકમાં જ 3 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ ખાબકતા દામોદરમાં બે કાંઠે પાણી વહેતુ થઈ ગયુ હતુ.

 

ગઈકાલે પણ જૂનાગઢમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. જેમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન જૂનાગઢના માળિયા હાટીનામાં 47 મિ.મી (1.85 ઈંચ), કેશોદમાં 42 મિ.મી (1.65 ઈંચ), ભેસાણમાં 12 મિ.મી, વંથલીમાં 6 મિ.મી., જૂનાગઢ શહેરમાં 2 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

જો આજની વાત કરીએ તો, આજે બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાયપુર તાલુકામાં 51 મિ.મી (2.01 ઈંચ), જૂનાગઢના મેંદરડામાં 46 મિ.મી (1.81 ઈંચ), અમરેલીના સાવરકુંડલામાં 31 મિ.મી (1.22 ઈંચ), દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં 26 મિ.મી (1.02 ઈંચ), ગીર સોમનાથના તાલાલામાં 11 મિ.મી વરસાદ વરસ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખેતરમાં તૈયાર મગફળીનો પાક પલળી જતાં ખેડૂતોને લાખોની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. સતત વરસાદના કારણે વંથલી ખાતે આવેલ ઓજત ડેમના 12 દરવાજા 1.50 મીટર ખોલવાની ફરજ પડી છે. ઓજત ડેમ ઓવર ફ્લો થતાં તેમાંથી છોડવામાં આવતા પાણીથી ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આથી નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

(6:15 PM IST)