News of Sunday, 20th October 2024
જૂનાગઢ, દ્વારકા, અમરેલી જિલ્લામાં મેઘરાજાનો મુકામ: માળીયા હાટીનામાં સાડા 3, મેંદરડામાં સવા ત્રણ ઈંચ ધોધમાર વરસાદ
ઘેડ પંથકમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનો પાક ઉતારી ખેતરમાં પથારા કરી રાખ્યા હતા,વરસાદ તૂટી પડતા મગફળીના પથારા પાણીમાં તરવા લાગ્યા

અરબી સમુદ્રમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો મૂશળધાર વરસી રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી જૂનાગઢ, દ્વારકા, અમરેલી સહિતના જિલ્લાઓને મેઘરાજા રીતસરના ઘમરોળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને પાક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે.
વહેલી સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌરાષ્ટ્રના 25 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં 89 મિ.મી (3.50 ઈંચ), મેંદરડામાં 81 મિ.મી (3.19 ઈંચ), અમરેલીના કુકાવાવમાં 75 મિ.મી (2.95 ઈંચ), દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 55 મિ.મી (2.17 ઈંચ), જૂનાગઢમાં 46 મિ.મી (1.81 ઈંચ), દ્વારકાના ખંભાળિયામાં 40 મિ.મી (1.57 ઈંચ), અમરેલીના ખાંભામાં 36 મિ.મી (1.42 ઈંચ), જૂનાગઢના વંથલી અને અમરેલીના સાવરકુંડલામાં 31 મિ.મી (1.22 ઈંચ) વરસાદ વરસ્યો છે.
જૂનાગઢમાં સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ઘેડ પંથકમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનો પાક ઉતારી ખેતરમાં પથારા કરી રાખ્યા હતા, એવામાં વરસાદ તૂટી પડતા મગફળીના પથારા પાણીમાં તરવા લાગ્યા હતા. જેના કારણે ખેડૂતોને વ્યાપક નુક્સાનની ભીતિ સેવી રહ્યા છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
