<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

જમીન વળતરના ૧૬ કરોડ પૈકી ખેડૂતના ખાતામાંથી ૧૧ કરોડ ચૂંટણી બોન્ડમાં બારોબાર ટ્રાન્સફર!! અંજાર કોર્ટનો તપાસનો આદેશ

વેલસ્પન કંપનીના મહેન્દ્રસિંહ સોઢા, સ્ટેટ બેંક ગાંધીનગર અને મહિલા અધિકારી સામે ફરિયાદ. અંજારના ડે.ક્લે.એ ૧૬ કરોડ રૂ. ખેડૂતના ખાતામાં જમા કરાવ્યા બાદ ૧૧ કરોડ રૂપિયા ખેડૂતની જાણ બહાર સહી કરાવી ચૂંટણી બોન્ડમાં જમા કરાવી દેવાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી ફંડ માટેના ઇલેક્ટોરલ બોન્ડને ગેરકાયદે ઠેરવાયા છે ત્યારે કચ્છના અંજારમાં ચૂંટણી બોન્ડના નામે દલિત ખેડૂત સાથે છેતરપીંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે અંજારના એટ્રોસીટી સ્પેશ્યલ જજ ની કોર્ટમાં કરાયેલ ફરિયાદને પગલે કોર્ટે આ કેસમાં પોલીસ તપાસનો આદેશ આપ્યો છે. અંજારના વરસામેડી ગામના ખેડૂત સવાભાઈ કારાભાઈ મણવર અને તેમના સદ્દગત ભાઈ ખમુભાઈ કારાભાઈ મણવરના વારસોના ગામમાં આવેલા બે ખેતર અંજારના તત્કાલીન ડેપ્યુટી ક્લેક્ટરે વેલસ્પન કંપનીના ઔદ્યોગિક હેતુ માટે સંપાદિત કરી ૬ વારસોના ખાતામાં ૧૬ કરોડ રૂપિયા વળતર ૯ ઓક્ટોબર ૨૦૨૩ ના જમા કરાવ્યુ હતું. વળતર જમા થાય એ પૂર્વે વેલસ્પન કંપનીના અધિકારી મહેન્દ્રસિંહ ફત્તેસિંહ સોઢાએ આ રૂપિયા ચૂંટણી બોન્ડમાં રોકવાથી દોઢ રૂપિયા મળશે એવી લાલચ આપી હતી. અભણ દલિત ખેડૂત પરિવારનો વિશ્વાસ જીત્યા બાદ મહેન્દ્રસિંહ સોઢાએ સવાભાઈ ના ભત્રીજા દેવાભાઈ ખમુભાઈ મણવરની તરફેણમાં પાવરનામું કરાવી અસલ પાવરનામું પોતાની પાસે રાખી દીધું હતું. ગામની બેંકમાં ખાતુ હોવા છતાંયે મણવર પરિવાર ફરે નહીં એટલે અંજાર એક્સિસ બેંકમાં ખાતુ ખોલાવ્યું હતુ. જેમાં ૯/૧૦/૨૦૨૩ ના વળતર ની રકમ જમા થઈ હતી. બીજા દિવસે મહેન્દ્રસિંહ એક્સિસ બેંક અંજારમાં તમામને લઇ ગયો અને રૂપિયા ટ્રાન્સફર કરવાના ડોક્યુમેન્ટમાં સહીઓ કરાવી ૧૧ કરોડ ૧૪ હજાર રૂપિયા ગાંધીનગર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવી દીધા હતા. ત્યારબાદ બીજા દિવસે પાવરદાર દેવાભાઈ મણવરને ગાંધીનગર સ્ટેટ બેંકમાં લઇ જઈ ચૂંટણી બોન્ડના કાગળોમાં સહી કરાવી લીધી હતી. રૂપિયા ઇલેક્ટોરલ બોન્ડમાં ટ્રાન્સફર થયાના થોડા સમય બાદ આ રૂપિયા ક્યારે પાછા મળશે એવું સવાભાઈએ મહેન્દ્રસિંહ ને પૂછ્યું ત્યારે મહેન્દ્રસિંહે એવો જવાબ આપ્યો હતો કે આ ૧૧ કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હવે પાછા ન મળે. પોતાના રૂપિયા પાછા નહીં મળે એવું જાણી સવાભાઈ અને પરિવાર ડઘાઈ ગયો હતો. ત્યારબાદ મણવર પરિવારે બેંકને પત્ર લખી પોતાના પાવર ઓફ એટર્ની સહિત તેમની સહી વાળા તમામ દસ્તાવેજોની નકલ માંગી પણ બેંક તેમને નક્લ આપતી નથી. આ બનાવ બાદ અંજાર પોલીસને ફરિયાદ કરી પણ પોલીસે દાદ આપી નહીં. અંતે સવાભાઈ મણવરે એડવોકેટ અજમલ સોલંકી મારફતે અંજારની એટ્રોસિટી કોર્ટ સમક્ષ વેલસ્પન કંપનીના અધિકારી મહેન્દ્રસિંહ સોઢા તેમ જ સ્ટેટ બેંક ગાંધીનગર અને તેના મહિલા અધિકારી પ્રિયંકા વર્મા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ સંદર્ભે કોર્ટે ફરિયાદ નોધી અંજાર પોલીસને તપાસ માટે આદેશ આપ્યો છે.

(10:11 AM IST)