<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

વાંકાનેરમાં ગાઢ ધુમ્‍મસ છવાયુ

રાત્રે પોણા બે ઇંચ વરસાદ ખાબકયો અને સવારે દસ વર્ષમાં સૌથી વધુ ઓણસાલ ચોમાસામાં વરસાદ વરસ્‍યો

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૨૧:  છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ બાદ વાંકાનેરમાં રવિવારની સાંજથી વાતાવરણ પલ્‍ટાઇને વેગીલા પવન સાથે વરસાદ શરૂઆત થઇ હતી રાત્રે પણ વરસેલા આ વરસાદથી પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. આ સાથે જ દસ વર્ષના સમય ગાળામાં વાંકાનેરમાં ઓણસાલના ચોમાસામાં સૌથી વધુ સીઝનનો કુલ વરસાદ નોંધાવા પામ્‍યો છે. ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૪ ના વાંકાનેરના કુલ વરસાદના આંકડાઓ જોઇએ તો ૨૦૨૦ માં ૧૦૮૩ મી.મી. સૌથી વધુ અર્થાત ૪૩ ઇંચ થી વધુ નોંધાયો હતો. જયારે ઓણસાલના ચોમાસામાં આ કુલ સીઝનના વરસાદનો આંકડો ૪૪ ઇંચને પણ પાર કરી ગયો છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં રવિવારના વરસાદથી લાભ ને બદલે નુકશાન વધુ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે અતિગાઢ ધુમ્‍મસ છવાતા રણજીત વિલાસ પેલેસ પણ ધૂંધળો જોવા મળતો હતો.

જમીન વળતરના ૧૬ કરોડ પૈકી ખેડૂતના ખાતામાંથી ૧૧ કરોડ ચૂંટણી બોન્‍ડમાં બારોબાર ટ્રાન્‍સફર!! અંજાર કોર્ટનો તપાસનો આદેશ

વેલસ્‍પન કંપનીના મહેન્‍દ્રસિંહ સોઢા, સ્‍ટેટ બેંક ગાંધીનગર અને મહિલા અધિકારી સામે ફરિયાદઃ અંજારના ડે.ક્‍લે.એ ૧૬ કરોડ રૂ. ખેડૂતના ખાતામાં જમા કરાવ્‍યા બાદ ૧૧ કરોડ રૂપિયા ખેડૂતની જાણ બહાર સહી કરાવી ચૂંટણી બોન્‍ડમાં જમા કરાવી દેવાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧: સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી ફંડ માટેના ઇલેક્‍ટોરલ બોન્‍ડને ગેરકાયદે ઠેરવાયા છે ત્‍યારે કચ્‍છના અંજારમાં ચૂંટણી બોન્‍ડના નામે દલિત ખેડૂત સાથે છેતરપીંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે અંજારના એટ્રોસીટી સ્‍પેશ્‍યલ જજની કોર્ટમાં કરાયેલ ફરિયાદને પગલે કોર્ટે આ કેસમાં પોલીસ તપાસનો આદેશ આપ્‍યો છે.

અંજારના વરસામેડી ગામના ખેડૂત સવાભાઈ કારાભાઈ મણવર અને તેમના સદ્દગત ભાઈ ખમુભાઈ કારાભાઈ મણવરના વારસોના ગામમાં આવેલા બે ખેતર અંજારના તત્‍કાલીન ડેપ્‍યુટી ક્‍લેક્‍ટરે વેલસ્‍પન કંપનીના ઔદ્યોગિક હેતુ માટે સંપાદિત કરી ૬ વારસોના ખાતામાં ૧૬ કરોડ રૂપિયા વળતર ૯ ઓક્‍ટોબર ૨૦૨૩ના જમા કરાવ્‍યુ હતું. વળતર જમા થાય એ પૂર્વે વેલસ્‍પન કંપનીના અધિકારી મહેન્‍દ્રસિંહ ફત્તેસિંહ સોઢાએ આ રૂપિયા ચૂંટણી બોન્‍ડમાં રોકવાથી દોઢ કરોડ રૂપિયા મળશે એવી લાલચ આપી હતી. અભણ દલિત ખેડૂત પરિવારનો વિશ્વાસ જીત્‍યા બાદ મહેન્‍દ્રસિંહ સોઢાએ સવાભાઈના ભત્રીજા દેવાભાઈ ખમુભાઈ મણવરની તરફેણમાં પાવરનામું કરાવી અસલ પાવરનામું પોતાની પાસે રાખી દીધું હતું. ગામની બેંકમાં ખાતુ હોવા છતાંયે મણવર પરિવાર ફરે નહીં એટલે અંજાર એક્‍સિસ બેંકમાં ખાતુ ખોલાવ્‍યું હતુ. જેમાં ૯/૧૦/૨૦૨૩ ના વળતર ની રકમ જમા થઈ હતી. બીજા દિવસે મહેન્‍દ્રસિંહ એક્‍સિસ બેંક અંજારમાં તમામને લઇ ગયો અને રૂપિયા ટ્રાન્‍સફર કરવાના ડોકયુમેન્‍ટમાં સહીઓ કરાવી ૧૧ કરોડ ૧૪ હજાર રૂપિયા ગાંધીનગર સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયામાં જમા કરાવી દીધા હતા. ત્‍યારબાદ બીજા દિવસે પાવરદાર દેવાભાઈ મણવરને ગાંધીનગર સ્‍ટેટ બેંકમાં લઇ જઈ ચૂંટણી બોન્‍ડના કાગળોમાં સહી કરાવી લીધી હતી. રૂપિયા ઇલેક્‍ટોરલ બોન્‍ડમાં ટ્રાન્‍સફર થયાના થોડા સમય બાદ આ રૂપિયા કયારે પાછા મળશે એવું સવાભાઈએ મહેન્‍દ્રસિંહને પૂછયું ત્‍યારે મહેન્‍દ્રસિંહે એવો જવાબ આપ્‍યો હતો કે આ ૧૧ કરોડ રૂપિયા ટ્રાન્‍સફર થઈ ગયા હવે પાછા ન મળે. પોતાના રૂપિયા પાછા નહીં મળે એવું જાણી સવાભાઈ અને પરિવાર ડઘાઈ ગયો હતો. ત્‍યારબાદ મણવર પરિવારે બેંકને પત્ર લખી પોતાના પાવર ઓફ એટર્ની સહિત તેમની સહી વાળા તમામ દસ્‍તાવેજોની નકલ માંગી પણ બેંક તેમને નક્‍લ આપતી નથી. આ બનાવ બાદ અંજાર પોલીસને ફરિયાદ કરી પણ પોલીસે દાદ આપી નહીં. અંતે સવાભાઈ મણવરે એડવોકેટ અજમલ સોલંકી મારફતે અંજારની એટ્રોસિટી કોર્ટ સમક્ષ વેલસ્‍પન કંપનીના અધિકારી મહેન્‍દ્રસિંહ સોઢા તેમ જ સ્‍ટેટ બેંક ગાંધીનગર અને તેના મહિલા અધિકારી પ્રિયંકા વર્મા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ સંદર્ભે કોર્ટે ફરિયાદ નોંધી અંજાર પોલીસને તપાસ માટે આદેશ આપ્‍યો છે

(11:54 AM IST)