News of Monday, 21st October 2024
જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ
રવિવારના સરેરાશ ૧ થી ૧૫ ઇંચ વરસાદથી ધરતીપુત્રોને વધુ આર્થિક ફટકો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૧: જુનાગઢ જિલ્લામાં અવિરત વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. રવિવારે વધુ ૧ થી ૧૫ ઇંચ વરસાદ થતાં ધરતીપુત્રોને વધુ આર્થિક ફટકો પડ્યો છે.
જુનાગઢ શહેર અને જિલ્લામાં રવિવારે આસો મહિનામાં પણ જોરદાર મેઘાવી માહોલ જામ્યો હતો. બપોર સુધી વાદળીયું વાતાવરણ રહ્યા બાદ બપોરે અઢી વાગ્યે વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો હતો. તોફાની પવન સાથે જુનાગઢ શહેર તેમજ ગિરનાર દાતાર પર્વત ક્ષેત્રમાં મેઘતાંડવ સર્જાયું હતું. એક કલાકમાં બે ઇંચ વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.
અમ રવિવારે પણ જુનાગઢવાસીઓને મેઘરાજાએ બાનમાં માર્ગો પર નદીની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. રાત્રે વરસાદનું એક પણ ટીપું વરસ્યું ન હતું.
જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં પણ મેઘરાજાએ ગ્રામ્ય વિસ્તારોને ધમરોળી નાખ્યા હતા. બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ હતી અને થોડી જ વારમાં પાણી પાણી થઈ ગયું હતું ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થયું હતું.
રવિવારે સૌથી વધુ ચાર ઇંચ વરસાદ માળીયાહાટીના તાલુકામાં ખાબકતા ધરતીપુત્રોની મુશ્કેલીમાં વધારો થયો છે.
રવિવારે માણાવદર તાલુકામાં ૧૦ મીમી, વંથલી ૩૭ મીમી, જુનાગઢ ૫૧ મીમી, ભેસાણ ૭ મીમી, વિસાવદર ૨૨, મેંદરડા ૮૩, કેશોદ ૨૪, માળીયાહાટીના પંથકમાં ૮૯ મીમી વરસાદ નોંધાયો હતો ત્યારે દરિયાઈ વિસ્તાર માંગરોળ તાલુકો કોરો ધાકોડ રહ્યો હતો. સોમવારે સવારથી એકંદરે સામાન્ય વાતાવરણ પ્રવર્તે છે પરંતુ બફારો અસહ્ય થઈ રહ્યો હોય તેથી રવિવારની માફક બપોર બાદ ફરીથી મેઘરાજાની એન્ટ્રી થાય તેવી શકયતા જોવાઈ રહી છે
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
