<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

કચ્છના લખપતની પરિણીત સગર્ભા સાથે દુષ્કર્મ: પૂર્વ પ્રેમી સામે ફરિયાદ

સોમનાથ અને માધાપર (ભુજ)માં સહમતીથી શરીર સંબંધ બાંધ્યો અને ફરિયાદ દુષ્કર્મની? પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ :  કચ્છના લખપત તા.ના એક ગામની પરિણીત સગર્ભા યુવતીએ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધવી હતી. ગત ૧૩ ઓક્ટોબરના આ બનાવ બન્યો હોવાનું જણાવી ફરિયાદમાં મુખ્ય આરોપી નાની વિરાણી (નખત્રાણા) ગામના નવીન દેવશી પરમાર અને મદદગારી કરનાર રમેશ રાજા બલિયા, ભરત આહીર અને પ્રવીણ આહીરના નામ લખાવ્યા હતા. પોતે ગર્ભવતી છે એવું જાણતો હોવા છતાંયે નવીને તેના ભાઈ અને પતિને મારી નાખવાની ધમકી આપી બળજબરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. જેમાં રમેશની ગાડીમાં પોતાને માધાપર (ભુજ) લઇ જઈ ભરત અને પ્રવીણે મકાનની વ્યવસ્થા કરી હતી અને ત્યાં દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું. જોકે, આ મામલે તપાસ કરતા દયાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એ. જાડેજાના જણાવ્યા પ્રમાણે પુરાવા અને ઉલટ તપાસમાં વિસંગતતા સામે આવી છે. ફરિયાદી સગર્ભા પરિણિતા પોતે જ પૂર્વ પ્રેમી નવીન સાથે નાસીને માધાપર (ભુજ) તેમ જ સોમનાથ ગઈ હતી. મદદગારી કરનારની કોઇ ભૂમિકા નથી. જોકે, હજી વધુ તપાસ ચાલુ છે અને જરૂર પડ્યે આરોપીઓની અટકાયત કરાશે.

(10:00 AM IST)