<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

સૌરાષ્‍ટ્રના ખેડૂતોને પાક નુકશાનીનું વળતર ચૂકવવા ભુપેન્‍દ્રભાઇ પટેલને રજૂઆત કરતા જયેશ રાદડીયા

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૩ :.. ભારત ખેતી પ્રધાન દેશ છે. જેથી દેશના ખેડૂતો માટે સરકાર વધારે ચીંતા કરતી હોય છે. ખેતી કુદરત પર આધારીત હોય વરસાદ પ્રમાણસર પડે તો પાકની ઉપજ સારી થાય. અને અર્થતંત્ર પણ ધબકતુ રહે. આ વખતે સૌરાષ્‍ટ્રમાં વરસાદ દર વર્ષ કરતા પણ વધુ પડયો હોય ખેડૂતો એ ખેતરમાં વાવેલ પાક મગફળી, કપાસ, સોયાબીનનો ફાલ તૈયાર થયેલ હોય સમગ્ર સૌરાષ્‍ટ્રમાં છેલ્લા ઘણા દિવસોમાં માવઠા રૂપી કમોસમી વરસાદ બેફામ અવીરત પડી રહ્યો છે.

આ કમોસમી વરસાદના કારણે સમગ્ર સૌરાષ્‍ટ્રના ખેડૂતોએ વાવણીથી લહાણી સુધી જતન કરીને તૈયાર કરેલ પાક સંપૂર્ણ પણે નિષ્‍ફળ ગયો હોય જેથી ખેડૂતોને મોઢે આવેલ કોળીયો કમોસમી વરસાદે ઝૂટવી લીધેલ છે. જગતનો તાત લાચાર બની ગયો છે.

સૌરાષ્‍ટ્રમાં વાવણી થયેલ મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, તલ, મરચી જેવા પાકો સંપૂર્ણ પણે નાશ પામ્‍યા છે.

જેથી ખેડૂતોના નેતા ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા કે જેઓ હરહંમેશ ખેડૂતોના સુખદુઃખમાં સાથે રહેનાર જયેશભાઇએ  ખેડૂતો પર આવી પડેલ અણધારી આફતમાં ખેડૂતોને પાક નુકશાનીનું વળતર ચૂકવી તાત્‍કાલીક ધોરણે ખાસ સહાય પેકેજ જાહેર કરવા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને લેખીત રજૂઆત કરેલ છે.

(2:33 PM IST)