News of Friday, 25th October 2024
મકતુપુર ગામના પૂર્વ સરપંચ સામે ૩.૨૯ લાખનાં ડસ્ટબિનની ખરીદીમાં નાણાકીય ગેરરીતિની ફરિયાદ
તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના પગલે પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૫ :માંગરોળ તાલુકાના મકતુપુર ગામના પૂર્વ સરપંચે રૂપિયા ૩.૨૯ લાખનાં ડસ્ટબિનની ખરીદીમાં નાણાકીય ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીએ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
માંગરોળ તાલુકાના મકતુપુર ગામે ઘન કચરાના નિકાલ માટેના સાધનોની ખરીદી વર્ષ ૨૦૨૦-૨૧માં ટાઇડ ગ્રાન્ટ હેઠળ કરવામાં આવી હતી. જેમાં મક્તુપુર ગામના તત્કાલીન સરપંચ સરલાબા મહેન્દ્રસિંહ ચુડાસમાએ રૂપિયા ૩.૨૯ લાખના ડસ્ટબિન ખરીદીના કામમાં નાણાકીય ગેરરિતી આચરી હોવાનું ધ્યાન પર આવતા માંગરોળના તાલુકા વિકાસ અધિકારી આર. બી. ઓડેદરાએ ગઈકાલે માંગરોળ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના પગલે પોલીસે તત્કાલીન મહિલા સરપંચ વિરુદ્ધ ગુનો નોંધી પીઆઈ એ. જી. જાદવએ તપાસ હાથ ધરી છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
